સોશ્યલ મીડિયામાં હંમેશા રચ્યા પચ્યા રહેતા અને વારે વારે ફોટો અપલોડ કરતા લોકો માટે ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવસારીનાં વિજલપોર શહેરની એક સોસાયટીમાં રહેતા વેપારી સાથે તેની જ સોસાયટીમાં રહેતા યુવાનની અંગત દુશ્મની હતી. જેનો બદલો લેવા યુવાને પોતાના જ મિત્રનાં મોબાઈલ ફોનમાંથી સોશ્યલ મીડિયા સાઈટ પર ફેક એકાઉન્ટ બનાવી વેપારીની માતા માટે બીભત્સ કોમેન્ટ અને પત્નીની મોર્ફ ઈમેજીસ બનાવી બદનામ કરવાના પ્રકરણમાં નવસારી એલસીબી પોલીસે ત્રણ યુવાનોની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દિધા હતા.
સોશ્યલ મીડિયા સાઈટ્સ પર દિવસથી રાત કરતા અને ખાસ કરીને દરેક પ્રસંગ અને આમ પણ વારે વારે ફોટો અપલોડ કરવાનો ટ્રેન્ડ બન્યો છે. લોકો ફરવા જાય કે પછી કોઈક પ્રસંગમાં હોય પોતાના અવનવા પોઝ સાથેનાં ફોટો સોશ્યલ સાઈટ્સ પર મૂકીને લાઈક્સ મેળવવા માટે તલપાપડ થતા હોય છે. પરંતુ વધુ પડતું સોશ્યલ મિડીયામાં એક્ટીવ રહેવું ક્યારેક ભારે પડી શકે છે. આવો જ એક કિસ્સો નવસારી જિલ્લાના વિજલપોર શહેરમાં સામે આવ્યો છે. અહીની એકસોસાયટીમાં રહેતા રેડીમેડ કપડાનાં વેપારી સાથે સોસાયટીના જ સ્નેહિલ રામજીમકવાણા સાથે કોઈક વાતે ખટરાગ હતો, જેને દુશ્મનીનું નામ આપી સ્નેહીલે વેપારીની માતા અને પત્નીને બદનામ કરવા સોશ્યલ મીડિયા સાઈટ્સનો ઉપયોગ કર્યો.
સ્નેહિલ મકવાણાએ તેના મિત્ર હિરેન જયેશ બારોટનાં મોબાઈલ ફોનમાંથી મેડી શર્માનાં નામે ફેક એકાઉન્ટ બનાવ્યુ હતું.બાદમાં અન્ય મિત્ર રાહુલ, સંજય પાટીલના જીમેલ એકાઉન્ટ અને પાસવર્ડ જાણી રાકેશ મિસ્ત્રીનાં નામનું ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. બંને એકાઉન્ટ સોશ્યલ મીડિયા સાઈટ ફેસબુક પર બનાવ્યા હતા. બાદમાં વેપારીનાં પરિવારના સભ્યોના ફોટો સોશ્યલ સાઈટ્સ પરથી મેળવી, વેપારીની માતાના ફોટો નીચે બીભત્સ કોમેન્ટો કરી હતી. જયારે વેપારીની પત્નીનાં ચહેરાનો ઉપયોગ કરી નગ્ન ઈમેજો સાથે મોર્ફ કરીને તેને પણ સોશ્યલ સાઈટ્સ પર અપલોડ કરી દિધા હતા.
વેપારીને ખરા મેડી શર્મા અને રાકેશ મિસ્ત્રીએ મળીને તેમના ફેક એકાઉન્ટ બનાવીને તેમના પરિવારની મહિલાઓને બદનામ કરવામાં આવી રહી છે. એની જાણ કરતા વેપારી ડઘાઈ ગયો હતો. અને સમગ્ર મુદ્દે નવસારી જિલ્લા પોલીસ વડાએ ફરિયાદ કરતા પોલીસે સાડા ત્રણ મહિનાની મહેનત બાદ ટેકનીકલ સર્વેલન્સની મદદથી પ્રથમ હિરેન બારોટના મોબાઈલ સુધી પહોંચ્યા બાદ મુખ્ય આરોપી સ્નેહિલ અને મદદગારી કરવાના ગુનામાં હિરેન અને રાહુલ પાટીલની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દિધા છે.