Dr. Girija Vyas Passes Away : પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. ગિરિજા વ્યાસનું દુઃખદ અવસાન: દાઝવાની ગંભીર ઇજાઓ બાદ અમદાવાદમાં લીધા અંતિમ શ્વાસ
Dr. Girija Vyas Passes Away : કોંગ્રેસના જાણીતા નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. ગિરિજા વ્યાસનું આજે 79 વર્ષની વયે અવસાન થયું છે. છેલ્લાં એક મહિનાથી તેઓ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ગઈ 31 માર્ચે પોતાના નિવાસસ્થાને પૂજા કરતી વખતે અકસ્માતે દાઝી જતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. દુર્ઘટનાના પગલે તેમનું લગભગ 90 ટકા શરીર બળી ગયું હતું અને સાથે માથાના ભાગે પણ ઘાતક ઈજા થઈ હતી.
ઘટનાના દિવસથી હાલત ગંભીર હતી
31 માર્ચ 2025ના રોજ સવારે લગભગ 11:30 વાગ્યે પૂજાકર્મ દરમિયાન આગની ઝપટમાં આવતા ડો. વ્યાસ ઘરમાં જ નીચે પડી ગયા હતા. આ પડતાં માથાના પાછળના ભાગે ઘા લાગ્યા હતા. ત્યારે તેમને તરત જ ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ જણાવ્યુ હતું કે શરીરના મોટાભાગના ભાગ દાઝી ગયા છે અને માથામાં બ્રેઇન હેમરેજ પણ થયું છે. ત્યારથી તેમની તબિયત સતત નાજુક જ રહી હતી અને સારવારના અંતિમ પગથિયે તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર પણ રહ્યા હતા.
અંતિમ સંસ્કાર ઉદયપુર ખાતે થશે
તેમના નિધનના સમાચાર બાદ રાજકીય વર્તુળમાં શોકની લાગણી પ્રસરી છે. તેમના પાર્થિવ દેહને હવે તેમના વતન રાજસ્થાનના ઉદયપુર ખાતે લઈ જવામાં આવશે, જ્યાં તેમનાં અંતિમ સંસ્કારનું આયોજન કરાયું છે. ડો. ગિરિજા વ્યાસે લાંબી રાજકીય યાત્રા દરમિયાન અનેક મહત્વની જવાબદારીઓ નિભાવી છે અને તેમને રાજસ્થાન તથા રાષ્ટ્રીય રાજકારણમાં નોંધપાત્ર ઓળખ મેળવેલી હતી.