Dwarka : દ્વારકામાં અવાવરૂ જગ્યામાંથી 4 માસની બાળકી મળી: માતા-પિતાની શોધ ચાલુ
દ્વારકા શહેરના મધ્યમાં અવાવરૂ જગ્યામાંથી આશરે 3-4 માસની બાળકી બિનવારસુ હાલતમાં મળી આવી
પોલીસે તાત્કાલિક કબજો મેળવી સારવાર માટે જામનગર હોસ્પિટલમાં ખસેડી
દ્વારકા, રવિવાર
Dwarka : દ્વારકા શહેરના મધ્યમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ગત સાંજે અવાવરૂ જગ્યામાંથી આશરે ત્રણથી ચાર માસની બાળકી બિનવારસુ હાલતમાં મળી આવી હતી. આ અંગે પોલીસને જાણ થતા, તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને બાળકીનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો અનુસાર, હાથી ગેઈટ અને ખોડીયાર ચેકપોસ્ટની વચ્ચે આવેલી એક અવ્યસ્થિત જગ્યામાં બાળક પડ્યું હોવાની જાણ SRDના જવાન દેવાભાઈ વાઘેલાએ કરી હતી. આ જાણ બાદ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બાળકીની હાલતને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
બાળકીની ઉંમર આશરે ત્રણથી ચાર મહિના હોવાનું અંદાજવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસથી એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે બાળકીના માતા-પિતાએ અથવા તેના સંભાળ રાખનાર કોઈએ કોઈ અજાણી પરિસ્થિતિમાં તેને અવાવરૂ જગ્યાએ ત્યજી દીધું હોઈ શકે છે.
આ મામલે દ્વારકા પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. બાળકીના માતા-પિતાની શોધ ચાલુ છે અને આ ઘટનાના કારણો અંગે વધુ વિગતો મેળવવા માટે પોલીસની ટીમે તપાસ શરૂ કરી છે.
બિનવારસુ બાળકને છોડીને જવાની આ ઘટનાએ સૌને ચિંતિત કર્યા છે. હવે આ બાળકને ન્યાય મળે તે માટે સ્થાનિક તંત્ર અને સામાજિક સંગઠનોની મદદ પણ લેવામાં આવી રહી છે.