ED Cyber Fraud Raids Gujarat Maharashtra: 100 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ઈડી ત્રાટકી
ED Cyber Fraud Raids Gujarat Maharashtra: એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ બુધવારે સવારે ગુજરાતના અમદાવાદ તથા સુરત સહિત મહારાષ્ટ્રના મુંબઈમાં સાયબર ફ્રોડ કેસમાં મોટા પાયે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ તપાસ પીએમએલએ (PMLA) કાયદાની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી છે.
મુખ્ય આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી
ગુજરાત પોલીસે મકબુલ ડોક્ટર, કાશિફ ડોક્ટર, બસમ ડોક્ટર, મહેશ મફતલાલ દેસાઈ અને માઝ અબ્દુલ રહીમ નડા સહિત અન્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ઈડીએ તપાસ શરૂ કરી અને અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યાં હતાં.
USDT ટ્રેડિંગ અને ડિજિટલ અરેસ્ટ દ્વારા ઠગાઈ
ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓએ ડિજિટલ અરેસ્ટ, યુએસડિટી ટ્રેડિંગ તથા કાયદા અમલીકરણ એજન્સીઓના નામે બનાવટી નોટિસ મોકલી લોકો પાસેથી રૂ. 100 કરોડથી વધારે ઉઘરાવ્યા હતા. ડમી કેવાયસી ડોક્યુમેન્ટના આધારે બેંક ખાતાઓ ખોલાવી લોકોના પૈસા ટ્રાન્સફર કરાવ્યાં, ત્યારબાદ એ રકમ હવાલા તથા આંગડિયા મારફત વિદેશ મોકલી દેવામાં આવી. આરોપીઓએ લગભગ રૂ. 100 કરોડનું કાળું નાણું વિદેશ મોકલ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
ગેરકાયદે ફંડનો ઉપયોગ ક્રિપ્ટો કરન્સી માટે
જાણકારી મુજબ, ઠગાઈ કરાયેલા નાણાંનો ઉપયોગ ક્રિપ્ટો કરન્સી ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. આ મામલાની તપાસ માટે ઈડી દ્વારા વિશેષ ટીમોની નિમણૂક કરી દેવામાં આવી છે.
પીડિતોને ન્યાય અપાવવાની ઈડીની તૈયારી
ઈડીનો દાવો છે કે આ દરોડાની કામગીરી દ્વારા ઠગાઈ કરાયેલા પીડિતોને ન્યાય અપાવવાની દિશામાં મહત્વપૂર્ણ પુરાવાઓ મેળવવામાં આવી રહ્યા છે. એજન્સી દ્વારા આગળ પણ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ રાખવામાં આવશે.