ગુજરાતમાં કોરોનાનાં વધી રહેલા કેસોને લઈ કોંગ્રેસે રાજકીય કાર્યક્રમો બંધ રાખવાની જાહેરાત કરી છે તો સાથો સાથ કોવિડ પ્રોટોકોલ પ્રમાણે કોરોનાનો સામનો કરવા સરકારની નિષ્ફળતા લોકો સુધી લઈ જવાની પણ તેમણે વાત કરી હતી.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું મોડે મોડે સરકાર વાયબ્રન્ટ ગુજરાત સમિટ મોકુફ રાખી છે. પણ સરકારે સમક્ષ માંગ છે કે અત્યાર સુધી થયેલી વાયબ્રન્ટ સમિટ અંગે વ્હાઈટ પેપર બહાર પાડવામાં આવે કે વાયબ્રન્ટ સમિટમાં શું-શું કરવામાં આવ્યું છે. કોંગ્રેસે સરકારને સમિટ રદ્દ કરવા અપીલ પણ કરી હતી.
તેમણે જણાવ્યું કે કોરોના વધી રહ્યો હોવા છતાં સરકાર અને ભાજપના કાર્યક્રમો સતત ચાલી રહ્યા છે. ગુજરાત સરકાર પાસે વિશ્વના આંકડા નથી. રાજકીય પ્રોગ્રામ ચાલુ રાખ્યા. સાતથી આઠ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થયા, મજુરો પણ ચેપ લાગ્યો. સરકારને ખબર પડી ગઈ છે આ વખતે પ્રજા એલર્ટ છે અને પ્રજાના ભોગે કાર્યક્રમો બંધ કરવાની નછૂટકે ફરજ પડી છે.
તેમણે જણાવ્યું કે હાલમાં ગુજરાતમાં કેટલી હોસ્પિટલોમાં કોરોનાનાં બેડ છે. સરકારે શું કર્યું તે જાહેર કરવું જોઈએ. માત્ર વાતો નહીં પણ નક્કર વિગતો આપવી જોઈએ. ઓક્સિજન પ્લાન્ટ કેટલા અને કેટલા ચાલુ છે તેની વિગતો જાહેર કરવી જોઈએ, ગુજરાતમાં ટ્રમ્પનો કાર્યક્રમ થયો અને કોરોના ફેલાયો. હાલમાં પણ ભાજપે ઉજાણીનું સત્ર રાખ્યું હતું. આ બધામાં કેટલો ખર્ચ થયો તેની વિગતો જાહેર કરી જોઈએ.
જગદીશ ઠાકોરે જણાવ્યું કે કોંગ્રેસ હવે કન્ટ્રોલ રુમ શરુ કરવા જઈ રહી છે. હોસ્પિટલો-ઓક્સિજન પ્લાન્ટની મુલાકાતો લેશે. સરકાર દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની માહિતી મેળવવામાં આવશે. ગુજરાતની પ્રજાને સરકારનાં ભરોસે છોડવામાં આવશે નહીં. જરુર પડે તો સરકારનું ધ્યાન દોરીશું અને કાન પણ આમળીશું.
તેમણે કહ્યું કે સરકાર અને ભાજપને ગુજરાતના લોકોના મૃત્યુ પર તાયફો કરવા નહીં દઈશું. શિક્ષણમાં વૈકલ્પિક વ્યવસ્થા લાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. શાળા-કોલેજો બંધ કરવા એ કોઈ વિકલ્પ નથી પણ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તેના માટે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ.
તેમણે જણાવ્યું કે ગુજરાતમાં રાજકીય નુકશાન થાય તો પણ કોંગ્રેસ રાજકીય કાર્યક્રમો આપશે નહીં. કોરોનાનાં પગલે કોંગ્રેસ સમગ્ર દેશમાં રાજકીય કાર્યક્રમો બંધ રાખવાની જાહેરાત કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે જેવી રીતે કોરોના વેક્સીન મફતમાં આપવામાં આવે છે તેવી જ રીતે કોરોનાનું ટેસ્ટીંગ પણ નક્કી કરેલી હોસ્પિટલોમાં મફત કરવામાં આવે તેવી અમારી માંગણી છે.