Factory Accident in Gujarat : માલિકોની લાપરવાહીએ નિર્દોષ શ્રમિકોની બલિ લીધી! છેલ્લા 5 વર્ષમાં ફેક્ટરી અકસ્માતોમાં 992 શ્રમિકોના મોત
Factory Accident in Gujarat બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદે ચલાતી ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર બ્લાસ્ટ થતાં 20થી વધુ શ્રમિકોએ જીવ ગુમાવ્યા. આ ઘટનાએ રાજ્યમાં ઉદ્યોગો સાથે સંકળાયેલા શ્રમિકોના ભવિષ્ય પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં જ ગુજરાતમાં ફેક્ટરી દુર્ઘટનામાં 992 શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. ઉદ્યોગ માલિકોની બેદરકારી અને સરકારની નિષ્ક્રિયતાના કારણે ગરીબ મજૂરો જીવ ગુમાવી રહ્યા છે.
ફેક્ટરી દુર્ઘટનાઓમાં ગુજરાત ટોચ પર
છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં કારખાના અને ફેક્ટરીઓમાં આગ અને વિસ્ફોટ જેવી દુર્ઘટનાઓ વધી રહી છે. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના આંકડા મુજબ, 2018 થી 2022 દરમિયાન ફેક્ટરી અકસ્માતોમાં કુલ 992 શ્રમિકોએ જીવ ગુમાવ્યા. સુરત જિલ્લામાં સૌથી વધુ 155 શ્રમિકો આ દુર્ઘટનાનો ભોગ બન્યા, જયારે અમદાવાદમાં 126 શ્રમિકોના મોત થયા. વલસાડ જિલ્લામાં 92 શ્રમિકોએ જીવ ગુમાવ્યો.
સલામતીના નિયમોની અવગણના
ગુજરાતમાં હાલ 20,433 હેઝાર્ડસ વેસ્ટ ઉત્પાદન કરતી ફેક્ટરીઓ કાર્યરત છે. પરંતુ, શ્રમિકોની સલામતી માટેના નિયમોની ખુલ્લેઆમ અવગણના થઈ રહી છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટરો ઓચિંતી તપાસ કરતા નથી, જે ફેક્ટરી માલિકો અને અધિકારીઓની મિલીભગતની સાબિતી આપે છે. હાલના કિસ્સાઓમાં કચ્છ અને વડોદરાની ફેક્ટરી દુર્ઘટનાઓ પણ ઉદ્યોગોની બેદરકારીની સાક્ષી છે.
અધિકારીઓની નિષ્ક્રિયતા કે ઉદ્યોગ માલિકોનો આતંક?
ફેક્ટરી-કારખાનાઓમાં સલામતીના નિયમોનું પાલન થાય તે માટે રાજ્ય સરકાર અને શ્રમ વિભાગ જવાબદાર છે. તેમ છતાં, ખોટી તપાસ અને પત્રવ્યવહારની આડમાં ફેક્ટરીઓમાં અસલામત પરિસ્થિતિઓ યથાવત રહે છે. ફેક્ટરી દુર્ઘટના બને પછી ફક્ત તપાસના આદેશ જ અપાય છે, પરંતુ કડક પગલાં લેવામાં આવતા નથી.
ડીસા ફટાકડા ફેક્ટરી વિસ્ફોટે ફરી એકવાર શ્રમિકોની સલામતી પર ગંભીર પ્રશ્નચિહ્ન મૂકી દીધું છે. જો સરકાર અને ઉદ્યોગ વિભાગ યોગ્ય પગલાં નહીં લે, તો આવા ભયંકર દુર્ઘટનાઓમાં ગરીબ શ્રમિકોનો જીવ જતો જ રહેશે. યોગ્ય સુરક્ષા ઉપાયો અને કડક નિયમનકારી પગલાં વિના શ્રમિકોના હિતો હંમેશા જોખમમાં જ રહેશે.