Farmer Registry Portal: કૃષિ રજીસ્ટ્રીમાં ગુજરાત દેશભરમાં પહેલા અને નવસારી મોખરે!
ગુજરાતે દેશમાં પ્રથમ ક્રમે 50%થી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી, ભારત સરકાર તરફથી ₹123.75 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મળશે
નવસારી જિલ્લામાં 74% સાથે પ્રથમ ક્રમ, ડાંગ 71% અને જૂનાગઢ 66% સાથે રાજ્યમાં શ્રેષ્ઠ સ્થાન પર છે
ગાંધીનગર, શનિવાર
Farmer Registry Portal: ગુજરાતના કૃષિ ક્ષેત્રે વધુ એક યાદગાર કિરણ ઉમેરાયુ છે. રાજ્યમાં ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાતે દેશભરમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. નવસારી જિલ્લામાં સૌથી વધુ ખેડૂતોને રજીસ્ટર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટના ભાગરૂપે 15 ઓક્ટોબરથી ખેડૂત ખાતેદારના જમીન રેકોર્ડને યુનિક આઈ.ડી. સાથે જોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
ગુજરાતમાં દેશના 66 લાખ કૃષિ લાભાર્થીઓને પીએમ કિસાન યોજનાનો લાભ મળી રહ્યો છે, અને તેમની ફાર્મર રજીસ્ટ્રીનો લક્ષ્ય 33 લાખ નોંધણી પૂર્ણ કરવાનું હતું, જેમાં 50% થી વધુ ખેડૂતો નોંધાયા છે.
ગુજરાતના એગ્રિકલ્ચર સિસ્ટમમાં ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલના ઉપયોગને વધુ પ્રોત્સાહિત કરવા માટે, 50% નોંધણી પૂર્ણ કરનારા રાજયને ભારત સરકાર દ્વારા ₹123.75 કરોડની સ્પેશિયલ સેન્ટ્રલ અસિસ્ટન્સ ગ્રાન્ટ આપવામાં આવી છે. અગાઉ ₹82 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ પણ મળી હતી, જે ખેડૂત હિત લક્ષી યોજનાઓ માટે વપરાશે.
નવસારી જિલ્લામાં 74% નોંધણી સાથે પ્રથમ ક્રમ, ડાંગ જિલ્લામાં 71% સાથે બીજું અને જૂનાગઢમાં 66% સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે. સુરત અને ભરૂચ જિલ્લામાં 63% નોંધણી પણ પૂર્ણ થઇ છે.
ફાર્મર રજીસ્ટ્રીના અંતર્ગત દરેક ખેડૂતને 11 અંકોની યુનિક આઈ.ડી. આપવામાં આવે છે, જે ખેડૂતના જમીન અને અન્ય વિગતવાર માહિતી રાખે છે. આ આઈ.ડી.ના માધ્યમથી તેઓ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે છે.