ગાંધીનગરઃ ગુજરાતના નાણાંમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવમીવાર બજેટ રજૂ કર્યું હતું. નીતિન પટેલે પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. નીતિન પટેલે વર્ષ 2021-22 માટે અંદાજપત્રમાં 2,27,029 કરોડ રૂપિયાની જોગવાઈઓ રજૂ કરી છે. આમ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું બજેટ તરીકે માનવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં કડક દારૂબંધી અને નશાબંધીના પોકળ દાવા વચ્ચે દારૂ અને માદક દ્રવ્યોની ગાંધીના ગુજરાતમાં રેલમછેલ હોય તેવા ચોંકાવનાર આંકડા સામે આવ્યા છે અને આ આંકડા ખુદ રાજ્ય સરકારે જ વિધાનસભામાં આપ્યા છે કાગળ પરની દારૂબંધી અને નશાબંધીને લઇને સરકારે જે આંકડા આપ્યા છે, તે પ્રમાણે રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 198.30 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે.
3.65 કરોડનો દેશી દારૂ અને 13.18 કરોડનું બિયર ઝડપાયું છે તો, 68.60 કરોડની કિંમતનો અફીણ ગાંજો, ચરસ, હેરોઇન અને મેફેડ્રોનનો જથ્થો પકડાયો છે. મહત્વનું છે કે, 2020માં 67 દિવસનું લૉકડાઉન રહ્યું હોવા છતાં 2019 કરતા 2020માં દારૂનો વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો તેવો વિધાનસભામાં સરકારે જવાબ આપ્યો હતો.
તો અમદાવાદનું નામ ક્રણાવતિ કરવાને લઈને મુખ્યપ્રધાને લએખિતમાં જવાબ આપ્યો હતો કે રાજ્ય સરકારે હજુ સુધી કોઈ દરખાસ્ત કરી નથી. અમદાવાદનું નામ કર્ણાવતી કરવા સરકારે કોઈ માગણી કે દરખાસ્ત મોકલી નથી.
શાંતિપ્રિય અને અહિંસાવાદી ગાંધીના ગુજરાતમાં ગુનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સરકારે વિધાનસભામાં ગુનાખોરીના જે આંકડા રજૂ કર્યા, તે ગુજરાત અસુરક્ષિત અને અસલામત હોય તેવું પ્રતીત કરાવે છે. વિધાનસભામાં ગૃહવિભાગને લગતા પ્રશ્નોતરીમાં સરકારે કહ્યું કે, રાજ્યમાં રોજની સરેરાશ 2 કરતા વધારે લૂંટની ઘટનાઓ બને છે. દરરોજ 3 હત્યાની અને 30 ચોરીની ઘટનાઓ બને છે.
દરરોજ 4 કરતા વધુ બળાત્કારની ઘટના, રોજની અપહરણની 7 ઘટનાઓ, આત્મહત્યાની 20 ઘટનાઓ, દરરોજની 57 અપમૃત્યુ અને 37 આકસ્મિક મૃત્યુની ઘટનાઓ બને છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં લૂંટની 1520 ઘટનાઓ, 1944 હત્યાની, 370 ઘટનાઓ ધાડની, 21,995 ચોરીની ઘટનાઓ બની છે તો છેલ્લા બે વર્ષમાં 3095 બળાત્કાર અને અપહરણની 4829 ઘટના બની. પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ તમામ ઘટનાઓમાં પોલીસે માત્ર 4043 આરોપીઓની જ ધરપકડ કરી છે.