FIR in Gujarat: દેશવિરોધી પોસ્ટને લઈ ગુજરાતમાં 14 લોકો સામે ગુનો નોંધાયો, ઓપરેશન સિંદૂર દરમિયાન કડક કાર્યવાહી
FIR in Gujarat: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના પાર્શ્વભૂમિ પર ભારતીય સેનાના “ઓપરેશન સિંદૂર” દરમ્યાન કેટલીક સામાજિક મીડિયા પર દેશવિરોધી પોસ્ટ કરનારી પ્રવૃત્તિઓ સામે હવે કાયદો ઊતરી પડ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં પોલીસે આવા 14 લોકો સામે ગંભીર રીતે ગુના દાખલ કર્યા છે.
રાજ્ય ગૃહ મંત્રાલયે આપ્યું કડક પગલાં લેવાનું સૂચન
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એ હુકમ આપવામાં આવ્યો હતો કે, રાષ્ટ્રીય એકતા, સેનાનું મનોબળ અને શાંતિભંગની દિશામાં ખોટી માહિતી કે અફવાઓ ફેલાવનારા પર ત્વરિત કાર્યવાહી કરવી. આ સૂચનને પગલે રાજ્યના DGP વિકાસ સહાયે પણ પોલીસ વિભાગને ચેતવણી આપી હતી કે, સોશ્યલ મીડિયા મોનિટરિંગ વધુ મજબૂત કરો અને કોઈપણ રાષ્ટ્રવિરોધી કન્ટેન્ટ સામે તરત FIR દાખલ કરો.
અનેક જિલ્લામાં નોંધાઇ એફઆઈઆર, સુરક્ષા એજન્સીઓ સજાગ
ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા તથા સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટે ઓપરેશન સિંદૂર દરમિયાન ખુબ જ દક્ષતા સાથે દેખરેખ રાખી હતી. તપાસ દરમિયાન 14 લોકોના એકાઉન્ટમાંથી દેશવિરોધી લખાણો અને સેનાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતી પોસ્ટ્સ મળી આવી.
જેના પગલે નીચેના જિલ્લાઓમાં કુલ 14 FIR નોંધાઇ છે:
ખેડા – 2
ભુજ – 2
જામનગર – 1
જુનાગઢ – 1
વાપી – 1
બનાસકાંઠા – 1
આણંદ – 1
અમદાવાદ – 1
સુરત શહેર – 1
વડોદરા – 1
પાટણ – 1
ગોધરા – 1
પોલીસ વિભાગે તમામ ઉપરોક્ત જગ્યાઓ પર કાયદેસર પગલાં શરૂ કરી દીધા છે. રાજ્યની પોલીસ અને ગુપ્તચર સંસ્થાઓ સતત સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે જેથી કોઈ ખોટી માહિતીના કારણે જનમાનસમાં ભય ન ફેલાય.