Fire Breaks Out In Shampoo Factory : રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર શેમ્પૂ ફેક્ટરીમાં ભીષણ આગ: બે વાહન, દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક્સ બળી ખાખ, એક ફાયરકર્મી ઈજાગ્રસ્ત
Fire Breaks Out In Shampoo Factory : રાજકોટમાં વધુ એક આગની ગંભીર ઘટના બની છે. રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર દિવેલીયા વિસ્તારમાં આવેલી એક શેમ્પૂ ફેક્ટરીમાં બપોરે 12 વાગ્યે ભીષણ આગ ભભૂકી ઉઠી. કેમિકલ ભરેલા બેરલમાં બ્લાસ્ટ થવાથી આગ વધુ વિકરાળ બની અને રસ્તા પર ફેલાઈ ગઈ. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ફોમ સ્પ્રે દ્વારા બે કલાકની જહેમત બાદ આગને 80% સુધી કાબૂમાં લઈ લીધી. હાલ સમગ્ર આગ સંપૂર્ણપણે શમાવી દેવામાં આવી છે.
60 ફાયરકર્મીઓની ટીમે આગ પર કાબૂ મેળવ્યો
ફેક્ટરીમાં ભયાનક આગ લાગતા રાજકોટ ફાયર વિભાગની 60 સભ્યની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આગના કારણે એક ફાયરકર્મી વિજયભાઈ જેસર સ્લિપ થતાં ઈજાગ્રસ્ત થયા. તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી અને હાલ તેમની તબિયત સ્થિર છે.
આગમાં ઈલેક્ટ્રોનિક્સ અને દસ્તાવેજોનો નાશ
ફેક્ટરી માલિકના જણાવ્યા મુજબ આગમાં ઓફિસમાં રાખેલા કોમ્પ્યુટર, પ્રિન્ટર, ફાઈલો, બિલ અને અન્ય દસ્તાવેજો સંપૂર્ણપણે બળી ગયા. સાથે જ જીજે.03.કેજે.4055 નંબરનું જયુપિટર અને જીજે.03.એમસી.5397 નંબરની હોન્ડા ડીલક્સ બાઇક પણ સળગી ગઈ. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
મેજર કોલ જાહેર કરી ફાયર ફાઈટિંગ શરૂ
રાજકોટ ફાયર વિભાગે ઘટના ગંભીર હોવાથી મેજર કોલ જાહેર કર્યો અને તમામ ફાયર સ્ટેશનોની ટીમને તાત્કાલિક બોલાવી. AFFF લિક્વિડ ફોમ અને પાણીનો મારો ચલાવી આગ શાંત કરવામાં આવી. ફેક્ટરી નજીકથી 66 કેવી વીજ લાઇન પસાર થતી હોવાથી PGVCL સ્ટાફે વીજ પુરવઠો બંધ કરી સલામતી સુનિશ્ચિત કરી હતી.
5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાયા
આગ એટલી વિકરાળ હતી કે 5 કિલોમીટરના અંતરે પણ ધૂમાડાના ગોટેગોટા સ્પષ્ટ જોવા મળ્યા. આજુબાજુના ઉદ્યોગો માટે પણ ભયજનક સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીથી વધુ નુકસાન અટકાવાયું.
આગમાં કોઈ જાનહાનિ થઈ નથી
અત્યાર સુધી આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. FSL અને પોલીસ તપાસ બાદ આગ લાગવા પાછળના સાચા કારણો બહાર આવશે. હાલ ફેક્ટરી માલિકને નોટિસ આપવામાં આવી છે અને આગના સંજોગોની તપાસ શરૂ કરવામાં આવી છે.