firecrackers ban : ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત સરકારે લીધો કડક નિર્ણય, ફટાકડા અને ડ્રોન પર 15 મે સુધી પ્રતિબંધ
firecrackers ban : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના કારણે ગુજરાત સરકારે રાજ્યમાં સાવચેતીના પગલાં રૂપે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, તાત્કાલિક અસરથી 15 મેથી લઈને આગામી સૂચના સુધી રાજ્યમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું કે, “આ નિર્ણય આપની અને આપના પરિવારની સુરક્ષા માટે છે. શાંતિ અને વ્યવસ્થા જળવાય રહે તે માટે દરેક નાગરિકે સરકારના આદેશોનું કડકપણે પાલન કરવું જોઈએ.”
આ પ્રતિબંધ માત્ર અંગત સ્તર સુધી સીમિત નથી, પરંતુ કોઈપણ સામૂહિક કાર્યક્રમ, શોભાયાત્રા કે ઉત્સવમાં પણ ફટાકડા ચલાવવાનો અથવા ડ્રોન ઉડાડવાનો અંશ આવરી લેવાયો છે. સરકારના જણાવ્યા અનુસાર, વર્તમાન તણાવના કારણે અસામાજિક તત્ત્વો કોઈ અનિચ્છનીય ઘટનાને અંજામ આપી શકે છે. આવા જોખમોને ધ્યાનમાં રાખીને આ પગલાં અનિવાર્ય બન્યા છે.
રાજ્યના દરેક જિલ્લામાં અને શહેરમાં અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ સ્થાનિક સ્તરે ચાંપતી નજર રાખે અને ક્યાંય પણ આ આદેશના ઉલ્લંઘનની સ્થિતિ જોવા મળે તો કાયદેસર કાર્યવાહી હાથ ધરે. પોલીસ તંત્રને પણ ઉચ્ચ સતર્કતાની સ્થિતિમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
સરકારની સ્પષ્ટ અપીલ છે કે નાગરિકો કોઈપણ પ્રકારની ખોટી જાણકારી કે અફવાઓમાં ન આવે અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જો જોવા મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરે. તણાવના સમયમાં શાંતિ અને સલામતી જાળવવી સૌની જવાબદારી છે.