ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. (જીટીયુ) દ્વારા કોરોનાના કહેર વચ્ચે યુનિ. સંલગ્ન ડીગ્રી-ડીપ્લોમાં કોલેજોની ઇન્સ્પેકશન કામગીરી આરંભવામાં આવી છે. પરંતુ ઇન્સ્પેકશનની કામગીરી માટે જે અધ્યાપકોને ઓર્ડર આપવામાં આવ્યા છે તેમાંથી અડધોઅડધ અધ્યાપકોએ કોરોનાના કહેરના કારણે કોલેજોના ઇન્સ્પેકશન માટે હાથ ઉચા કરી દીધાનુ જાણવા મળ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે યુનિ. દ્વારા અધ્યાપકોની સમંતી લીધા વગર જ કોલેજોના ઇન્સ્પેશન માટે ઓર્ડર કઢાયેલ હતા, આથી અધ્યાપકોએ સ્વયંભૂ ઈન્સપકેશનની કામગીરીમાંથી પીછેહટ કરી લીધી છે.
કોરોનાના વધતા જતા કહેર અને સંક્રમીત દર્દીઓની સંખ્યામાં સતત થતા વધારાના કારણે અનેક અધ્યાપકોએ કોલેજોના ઇન્સ્પેકશન માટે નનૈયો ભણી દીધો હોવાનું જાણવા મળ્યુ છે. આ અગાઉ યુનિ. દ્વારા ઇન્સ્પેકશન માટે જૂલાઈ મહિનામાં પરિપત્ર ઇશ્યુ કરવામાં આવ્યો હતો. આ એકેડેમિક ઇન્સ્પેકશન દરમિયાન વિધાર્થીઓને પણ હાજર રાખવા માટે પરિપત્ર ઇશ્યુ કરી કાચુ કાપ્યુ હતુ. હવે કોરોનાના કહેરના કારણે અનેક કોલેજોના અધ્યાપકોએ ઇન્સ્પેકશન માટે નનૈયો ભણી દીધાનુ જાણવા મળ્યુ છે.
આ ઉપરાંત ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. દ્વારા મેરીટબેઇઝ પોગ્રેશન અંતર્ગત પરિણામ જાહેર કરવામાં પણ ભારે વિલંબ થઇ રહયો છે. બેકલોગવાળા વિધાર્થીઓના પરિણામ હજુ જાહેર થયા ન હોય ગુજરાત ટેકનોલોજી યુનિ.ની વિલંબકારી નિતી ટેકનીકલ શિક્ષણ જગતમાં ચર્ચાનુ કેન્દ્ર બની જવા પામી છે.