ગુજરાત પોલીસમા બાહોશ અધિકારીની છબી ધરાવતા નિવૃત એડી.ડીજીપી એ.આઈ.સૈયદનું આજે સાંજે એપોલો હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. નિવૃત થયા બાદ એ.આઈ સૈયદ ભાજપમાંથી કોર્પોરેશન ઈલેક્શન પણ લડ્યા હતા. જોકે રાજકારણમાં સફળ થઈ શક્યા નહોતા.પરિવારમાં પત્ની, બે દીકરી અને એક દીકરો છે. ગાંધીનગર પોલીસ ભવનમાં એડી.ડીજી તરીકે નિવૃત થયેલા એ.આઈ.સૈયદની ગણના બાહોશ અધિકારી તરીકે થતી હતી.
અમદાવાદ શહેરમાં ટ્રાફિક ડીસીપી અને જોઈન્ટ કમિશનર તરીકે એડમીન વિભાગમાં તેઓ ફરજ બજાવી ચુક્યા હતાં. એઆઇ સૈયદ વકફ બોર્ડના ચેરમેન પણ રહી ચુક્યા છે. 2002 ના તોફાનોમાં એ.આઈ સૈયદ નોકરી પરથી ઘરે જઈ રહ્યા હતા. તે સમયે તોફાનીઓ તેમની સરકારી ગાડી ઘેરી લઈને હુમલો કર્યો હતો. જોકે સમયસર પોલીસ કાફલો પહોંચી જતા તેમનો બચાવ થયો હતો. આ ઘટનામાં પણ જાનનું જોખમ હોવા છતાં નિવૃત આઈપીએસ એઆઇ સૈયદે હિંમત દાખવી તોફાનીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.