Free travel in BRTS AMTS: વયમર્યાદા ઘટાડી: હવે 65 વર્ષથી વધુ વયના નાગરિકોને મળશે મફત બસ સફર
Free travel in BRTS AMTS: અમદાવાદ મહાનગરપાલિકાની તાજેતરની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જાહેર કર્યું કે, હવે શહેરના 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન માટે AMTS અને BRTS બસ સેવામાં મફત મુસાફરી સુલભ રહેશે. અગાઉ આ ફાયદો ફક્ત 75 વર્ષની ઉંમર બાદ ઉપલબ્ધ હતો.
દિવ્યાંગો માટે પણ હવે 100% નિઃશુલ્ક પાસ
અત્યાર સુધી દિવ્યાંગ જનતાને બસ પાસ માટે 40% સબસિડી આપવામાં આવતી હતી. પરંતુ હવે AMC દ્વારા દિવ્યાંગોને સંપૂર્ણપણે મફત પાસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓને દર વર્ષે પાસ રીન્યૂ કરાવવો ફરજિયાત રહેશે.
ઓનલાઇન પાસ સિસ્ટમ અને વોર્ડ લેવલ પર યોજાશે શિબિરો
AMC હવે ઓનલાઇન પાસ સિસ્ટમ પણ શરૂ કરશે જેથી નાગરિકોને સરળતાથી પાસ પ્રાપ્ત થઈ શકે. વોર્ડ લેવલ પર પણ પાસની સુવિધા ઉપલબ્ધ કરાવાશે જેથી દરેક પાત્ર નાગરિક લાભ લઇ શકે.
નવી ભરતી: AMCમાં 2,500 નોકરીઓ આવશે
શહેરના વિસ્તાર વધતા AMC દ્વારા કરાર આધારિત 2,500 નવી ભરતીની જાહેરાત પણ કરવામાં આવી છે. વિવિધ વિભાગો માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને સ્થાન મળશે. સાથે જ AMCમાં એન્કાયર્નમેન્ટ સેલ શરૂ કરવામાં આવ્યો છે જે અમદાવાદને પૃથ્વી, પાણી અને વાયુ પ્રદૂષણથી બચાવવા કામ કરશે.
રોડ ટેસ્ટિંગ માટે AMC લેબોરેટરી શરૂ કરશે
AMC 2.74 કરોડના ખર્ચે પોતાની મટિરિયલ ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરશે, જે પીપળજ સ્થિત પ્લાન્ટ પર કાર્યરત રહેશે. રોડની ગુણવત્તા સુધારવા માટે વિવિધ ટેકનિકલ સાધનોનો સમાવેશ કરાશે.
દિવાળી બાદ રિવરફ્રન્ટ પર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ
AMC દિવાળી પછી રિવરફ્રન્ટ પર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ આયોજિત કરશે, જેમાં અર્બન પ્લાનિંગ અને પાયાની સુવિધાઓ માટે નવીન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન અપાશે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા આ નિર્ણયો સિનિયર સિટીઝન અને દિવ્યાંગ નાગરિકો માટે એક મોટી રાહત છે. સાથે સાથે AMCનો વિકાસ અભિગમ પણ સ્પષ્ટ છે, જે ભવિષ્યના શહેર માટે મજબૂત માળખું ઉભું કરવાનું લક્ષ્ય ધરાવે છે.