Gandhinagar Collector order : ગાંધીનગર કલેક્ટરે ખાતરી આપી: પુરવઠાની પૂરી વ્યવસ્થા, સંગ્રહખોરીને લઈને કડક ચેતવણી
Gandhinagar Collector order : રાજ્યમાં ચાલી રહેલા અફવાભર્યા માહોલને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લાના કલેક્ટર મેહુલ કે. દવેની અધ્યક્ષતામાં આજે એક મહત્વની બેઠક યોજાઈ હતી. પેટ્રોલ પંપના માલિકો, ગેસ એજન્સીના સંચાલકો, સુપર માર્કેટ અને મોલના પ્રતિનિધિઓ, GIDC તથા APMCના ચેરમેનોને મળી સંગ્રહખોરી અને કાળાબજારી રોકવાના દિશામાં મહત્વપૂર્ણ દિશા-નિર્દેશ આપવામાં આવ્યા.
કલેક્ટર દવેએ સ્પષ્ટ કહ્યું કે, “Food and fuel એટલે કે ખોરાક અને ઇંધણ એ જીવન માટે નિત્યજરૂરી વસ્તુઓ છે. દેશની હાલની પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. અફવાઓથી પ્રેરાઈ લોકો બેફામ ખરીદી ન કરે અને વેપારીઓ પણ કૃતિમ અછત ઊભી કરી કાળાબજારી ન કરે તે સૌથી મહત્વનું છે.”
પેનિક વગર વ્યવસ્થા યથાવત
કલેક્ટરે ઉમેર્યું કે, “We are for the Nation” ના સૂત્ર સાથે આપણે સૌએ આ પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે સંભાળવી છે. સૈન્ય આપણા દેશની રક્ષા માટે સરહદે મુસ્તેદ છે અને સ્થાનિક વહીવટીતંત્ર પણ પૂરતી તૈયારીમાં છે. આ બેઠક માત્ર તૈયારીના ભાગરૂપે છે અને કોઈ પણ પેનિક વિના સામાન્ય જીવનશૈલી ચાલુ રહે તે માટે સહકાર જરૂરી છે.
સપ્લાય ચેન મજબૂત બનાવવા સૂચનાઓ
જિલ્લા પુરવઠા અને પોલીસ વિભાગે ફૂડ અને ફ્યુઅલના તમામ ડીલરોને સૂચના આપી છે કે તેઓ રોજિંદા સ્ટોકની વિગતો, સ્ટોરેજ અને વિતરણની માહિતી સમયસર વહીવટીતંત્રને આપે. સ્ટાફ સંબંધિત વિગતો પણ સંબંધિત વિભાગને આપવી ફરજિયાત રહેશે. કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાય અને નફાખોરી ન થાય તેની ખાસ તકેદારી રાખવા જણાવાયું છે.
ચેતવણી આપતા કહયું કે, “જો કાળાબજારી કે સંગ્રહખોરી જેવી પ્રવૃત્તિઓ સામે આવે તો કાર્યવાહી ટાળવામાં નહીં આવે. તમામ ડીલરોએ કેન્દ્ર તથા રાજ્ય સરકારની નીતિ પ્રમાણે કાર્ય કરવું ફરજિયાત છે.”
પોલીસની ચેતવણી: સીસીટીવી અને સંવાદ સુનિશ્ચિત કરો
પોલીસ વિભાગે ઉપસ્થિત વેપારીઓને સલાહ આપી કે પોતાના તમામ સ્થળોએ CCTV કેમેરા કાર્યરત છે કે નહીં તે તરત ચકાસી લે. જો ન હોય તો તરતથી લગાવડાવવા સૂચના આપી છે. નજીકના પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડના નંબર સાથે જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક નંબર – 9978405968 – લોકો સુધી પહોંચાડવા જણાવાયું.
સાથે જ, પોલીસ અધિકારીએ તાકીદ કરીને કહ્યું કે, “કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે અફવા જો જોવા મળે તો તરત 100 નંબર અથવા કંટ્રોલ રૂમ પર જાણ કરો. કાયદો હાથમાં ન લો.”
અફવાઓથી દૂર રહેવા અપીલ
કલેક્ટરે અંતે ઉમેર્યું કે, “અફવાઓથી દહેશત ન ફેલાવવી. કલેક્ટરે ઇમર્જન્સી મુલાકાત લીધી છે જેવી વાતો જ ફરતી કરી શાંતિભંગ ના કરો.” દરેક નાગરિકે સજાગ રહેવું અને સ્થિતિને સહકારથી સંભાળવી એ આજની સૌથી મોટી ફરજ છે.