Gandhinagar: ગુજરાત સરકારની નવી આરોગ્ય યોજના: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના
Gandhinagar: ગુજરાત રાજ્ય સરકારે રાજ્યના તમામ કર્મચારીઓ અને પેન્શનર્સ માટે નવી આરોગ્ય યોજના “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના” શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ, કર્મચારીઓ અને પેન્શનર્સને કેશલેસ હેલ્થ બેનીફિટ પેકેજ ઉપલબ્ધ થશે, જે તેમને આરોગ્ય સેવાઓની સુવિધા પ્રદાન કરશે.
મુખ્ય લક્ષણો:
- કેશલેસ સારવાર:
આ યોજના હેઠળ, રાજ્યના તમામ કર્મચારીઓ અને પેન્શનર્સને “G” સીરીઝનું AB-PMJAY-MAA કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડનો ઉપયોગ કરીને, તેઓ સરકારી અને PMJAY એમ્પેનલ્ડ ખાનગી હોસ્પિટલોમાં કેશલેસ સારવાર મેળવી શકશે. - વાર્ષિક રૂ. ૧૦ લાખ સુધીની સારવાર:
પરિવાર દીઠ વાર્ષિક રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે. જો કે, બહારનાં દર્દી તરીકે (OPD) સારવારનો સમાવેશ આ યોજનામાં નહીં થાય. હાલ આપવામાં આવતું માસીક મેડીકલ એલાઉન્સ (₹1000) યથાવત રહેશે. - મેડીકલ રીમ્બર્સમેન્ટ:
રૂ. ૧૦ લાખથી વધુના ખર્ચ માટે અને AB-PMJAY-MAAમાં ઉપલબ્ધ ન હોય તેવા પ્રોસિજર માટે, ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અનુસાર મેડીકલ રીમ્બર્સમેન્ટ ઉપલબ્ધ રહેશે.
આ યોજના અંતર્ગત અંદાજે ૬.૪૦ લાખ કર્મયોગીઓને આરોગ્ય સેવાઓનો લાભ મળશે. ફીકસ-પે કર્મચારીઓને હાલ કર્મયોગી કાર્ડ અંતર્ગત લાભ મળી રહ્યો છે. ૭૦+ પેન્શનર્સને હાલ તાજેતરમાં શરૂ કરાયેલ વયવંદના યોજનામાં લાભ મળતો હોવાથી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં.
આ યોજના હેઠળ, રાજ્ય સરકાર ૩૭૦૮/- રૂપિયા વાર્ષિક પ્રતિ કુટુંબ દીઠ પ્રીમિયમ ચૂકવશે, જેનું કુલ ભારણ રાજ્ય સરકાર પર રૂ. ૩૦૩.૩ કરોડ થશે.
આ યોજનાનો અમલ રાજ્યના તમામ કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આરોગ્ય સેવાઓની સુવિધા પ્રદાન કરશે અને તેમના આરોગ્ય સંભાળ ખર્ચમાં રાહત લાવશે.