Gandhinagar News : કર્મચારી માહિતી હવે પોલીસને: ગાંધીનગરમાં સુરક્ષા વધારવા માટે નવા નિયમો લાગુ
Gandhinagar News : ગાંધીનગર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના હેતુસર જિલ્લા કલેક્ટર મેહુલ કે. દવેએ મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. હવે પાટનગરની અંદર કાર્યરત તમામ ખાનગી એકમો — જેમ કે બિલ્ડર્સ, હોટલ કે રેસ્ટોરાં સંચાલકો, શો-રૂમ માલિકો, કંપનીઓ, કારખાનાં અને શિક્ષણ સંસ્થાઓના પ્રમુખોએ તેમના સ્ટાફની વિગતો નજીકના પોલીસ સ્ટેશનને આપવી ફરજિયાત રહેશે.
આ નિર્ણય પાછળનો મુખ્ય આશય સુરક્ષાને ધ્યાને લઇને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવાનો છે. હાલના સમયમાં મોટાપાયે અસંગઠિત ક્ષેત્રમાંથી લોકો રોજગારી માટે આવતા હોય છે, પણ તેમનો ભૂતકાળ તપાસાતો નથી. પરિણામે કેટલીકવાર ગુનાહિત ઈતિહાસ ધરાવનાર વ્યક્તિઓ પણ નોકરી પામી લે છે, જે શહેરની સુરક્ષાને જોખમમાં મુકે છે.
ગાંધીનગર, જ્યાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો તેમજ વિધાનસભા જેવી સંવેદનશીલ સરકારી ઇમારતો સ્થિત છે, ત્યાં આવા લોકોની અણધારી પ્રવૃત્તિઓ ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
કલેક્ટર દ્વારા બહાર પાડાયેલા આદેશ અનુસાર, હવે ધર્મશાળાઓ, મોલો, દુકાનો, આંગડિયા પેઢીઓ અને ઘરેલુ મદદનીશો રાખતા નાગરિકોએ પણ તેમના કર્મચારીઓ અંગે વિગતો પોલીસને ફરજીયાત આપવી પડશે. નવા નોકરીદારની નાગરિકતા અને પૂર્વ આચરણની ચકાસણી કરવી હવે એક આવશ્યક પ્રક્રિયા બનશે.
જો કોઈ વ્યક્તિ કે સંસ્થા આ હુકમનું પાલન નહીં કરે, તો તેમના સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ-223 મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ સ્ટેશનોને પણ આ આદેશ જાહેર સ્થળોએ સ્પષ્ટ રીતે દર્શાવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી માહિતી બધાને સરળતાથી પ્રાપ્ત થઈ શકે.