Gandhinagar પ્રથમવાર એન્જિનમાં ચાલક માટે એસી અને ટોયલેટની સુવિધા, રેલવે ઉત્પાદન યાત્રામાં ભારત માટે મહત્વપૂર્ણ પગલું
Gandhinagar પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મેના રોજ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ દાહોદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સૌથી મહત્વપૂર્ણ કાર્યક્રમોમાંથી એક દાહોદમાં યોજાશે, જ્યાં પીએમ મોદી 9000 હોર્સપાવર (HP)ના ‘મેઇક ઇન ઇન્ડિયા’ ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ કરશે.
દાહોદ રેલવે પ્રોજેક્ટઃ 20,000 કરોડ રૂપિયાનો ખર્ચ અને ભવિષ્ય માટે વિશાળ યોજના
દાહોદ ખાતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ હેઠળ બનાવાયેલા રેલવે ઉત્પાદક યુનિટમાં આગામી 10 વર્ષમાં 1200 લોકોમોટિવ એન્જિન બનાવવાની યોજના છે. હાલમાં પહેલાના 4 એન્જિન તૈયાર થઈ ગયા છે. ખાસ વાત એ છે કે દરેક એન્જિન પર “Manufactured by Dahod” લખાશે અને એન્જિન સંપૂર્ણ રીતે ભારતીય તકનીકી અને ઉત્પાદનમાં બનેલા હશે.
9000 HPના એન્જિનની વિશેષતાઓ
આ એન્જિન 6 એક્સલવાળા અને ઇલેક્ટ્રિક હશે, જે લગભગ 4600 ટન કાર્ગો ખેંચવાની ક્ષમતા ધરાવે છે. તેમાં 75 કિમી પ્રતિ કલાકની સરેરાશ ઝડપ હશે. વિશેષતા એ છે કે પ્રથમવાર ડ્રાઈવર માટે એસી કેબિન અને ટોયલેટની વ્યવસ્થા કરાઈ છે. એન્જિનમાં સેફટી માટે કવર સિસ્ટમ પણ લગાવવામાં આવી છે, જે તેને વધુ સલામત બનાવે છે.
સ્થાનિક વિકાસ અને રોજગારીનું માધ્યમ
આ રેલ પ્રોજેક્ટથી દાહોદ અને આસપાસના વિસ્તારોમાં આશરે 10 હજાર લોકોને રોજગારી મળી શકશે. એટલું જ નહીં, ઉત્પાદન સાથે જોડાયેલી એન્જિનિયરિંગ અને પાવર ક્ષેત્રની નાની-મોટી કંપનીઓને પણ સપ્લાય માટે મોટી તક મળશે, જે સ્થાનિક અર્થતંત્રમાં નવી ફૂંકશે.
મેઇન્ટેનન્સ માટે વિસ્તૃત આયોજન
9000 HPના એન્જિનનું પશ્ચિમ બંગાળના ખડગપુર, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, છત્તીસગઢના રાયપુર અને મહારાષ્ટ્રના પૂણે સ્થિત રેલ ડેપોમાં કરવામાં આવશે.
આ એન્જિનનું લોકાર્પણ માત્ર રેલવે ક્ષેત્રમાં એક ટેકનોલોજીકલ માઈલસ્ટોન નથી, પણ ભારતના આત્મનિર્ભર અભિયાન માટે પણ એક મોટું પગલું છે.