કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેને આજે વલસાડ જિલ્લાની વાપી કોર્ટમાં અપહરણ અને હત્યાના કેસમાં રજૂ કરાયો હતો. બંટી પાંડે છોટા રાજન ગેંગનો ગેંગસ્ટર મનાય છે. જેને 2004માં વાપીમાં થયેલા અપહરણ અને હત્યાના કેસમાં ટ્રાન્સફર વોરંટથી વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
2004માં ઔદ્યોગિક નગરી વાપીમાં એક ટ્રાન્સપોર્ટરના અપહરણ અને હત્યાના મામલે છોટા રાજનનાં ગેંગસ્ટર મનાતા પ્રકાશ ચંદ્ર પાંડે ઉર્ફે પીપી ઉર્ફે બંટી પાંડે ઉર્ફે વિજય સુભાષ શર્મા ઉર્ફે આર્યનને અલમોરા જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી વાપી કોર્ટમાં રજૂ કરાયો હતો. લાંબા સમયથી આ કેસની તપાસ ચાલી રહી હતી.
બંટી પાંડેને વાપી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંટી પાંડેને નવસારી જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો.. મહત્વપૂર્ણ છે કે બંટી પાંડે પર અત્યાર સુધી હત્યા, હત્યાનો પ્રયાસ, બ્લેકમેલિંગ, દારૂની હેરાફેરી અને દાણચોરી સહિતના 40 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા છે. અનેક પોલીસ સ્ટેશનમાં તે વોન્ટેડ પણ છે. બંટી પાંડેએ ત્રણ વાર કરાચી જઈ દાઉદ ઈબ્રાહીમને મારવાના પ્રયાસ કર્યો હોવાનું મનાય છે. કુખ્યાત ગેંગસ્ટરને વાપી કોર્ટમાં લવાતા કોર્ટ પરીસરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો.