આણંદ જિલ્લામાં તા. ૧ર ઓકટો.ર૦૧૭ને ગુરુવારે સવારે ૧૦-૩૦ કલાકે સારસામાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું છે. જેના આયોજન અંગે આજે કલેકટર ડો.ધવલ પટેલના અધ્યક્ષસ્થાને આણંદ સર્કિટ હાઉસમાં બેઠક યોજાઇ હતી. જેમાં એકપણ લાભાર્થી સહાયથી વંચિત ન રહી જાય તેની ખાસ ચકાસણી હાથ ધરવા અધિકારીઓને તાકિદ કરવામાં આવી હતી. તાલુકાવાર વિવિધ યોજનાના લાભાર્થીઓની યાદી તૈયાર કરવાની પણ જિલ્લા તંત્રને સૂચના આપી દેવામાં આવી છે.
રાજય સરકારના પંચાયત વિભાગ દ્વારા તા. ૧રથી ૧૪ ઓકટો. દરમ્યાન રાજયમાં ગરીબ કલ્યાણ મેળા યોજવાનું આયોજન કરાયું છે. જો કે ગત મહિને બે-બે તાલુકાદીઠ એક મેળો યોજવાનું આયોજન હાથ ધરાયા બાદ મોકૂફ રાખવામાં આવ્યું હતું. બાદમાં સરકારના પદાધિકારીઓ ગૌરવયાત્રા સહિતના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવા સાથે આચારસંહિતા ઢુંકડી દેખાતા સમયની કટોકટીને ધ્યાને લઇને બે-બે પ્રાંતના બદલે જિલ્લાવાઇઝ એક મસમોટો ગરીબ કલ્યાણ મેળો યોજવાનું રાજયસ્તરેથી આયોજન કરાયું છે.
જો કે હવે ગણતરીના ૪ દિવસ જ બાકી રહ્યા હોવાથી જિલ્લાકક્ષાના મેળામાં વિવિધ વિભાગના સ્ટોલો, રાજય સરકારની ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓનો સાહિત્ય સહિતની બાબતોના સમાવેશ સહિતની તડામાર તૈયારીઓ આરંભવામાં આવ્યાનું જાણવા મળે છે. જિલ્લાભરમાંથી લાભાર્થીઓને સારસાના કલ્યાણ મેળામાં બોલાવીને સહાય આપવામાં આવશે. આથી લાભાર્થીઓને મેળાના સ્થળ સુધી લાવવા સહિતની આયોજન પણ ઝપાટાભેર હાથ ધરાયું છે. જાણવા મળ્યાનુસાર પંચાયત રાજય મંત્રી જયંતીભાઇ કવાડીયાના માર્ગદર્શન હેઠળ ગરીબ કલ્યાણ મેળાની તૈયારીઓ હાથ ધરાઇ છે.