GCCI Annual Trade Expo : અમદાવાદ: અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલ રીતે ટ્રેડ એક્સ્પોનો પ્રારંભ, 300થી વધુ સંસ્થાઓએ નોંધાવ્યો ઉત્સાહ
GCCI Annual Trade Expo : અમદાવાદમાં યોજાયેલા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના વાર્ષિક ટ્રેડ એક્સ્પોનું ઐતિહાસિક ઉદ્ઘાટન આજે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલી કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં અને સમારંભમાં ભાગ લીધો.
આ ટ્રેડ એક્સ્પોમાં 300થી વધુ ઔદ્યોગિક અને વેપારી સંસ્થાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા 9 વિકાસમંત્રોની યાદ પણ કરાવી.
“ગુજરાતના વિકાસમાં ચેમ્બરની ભૂમિકા અવિસ્મરણીય” – અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “ગુજરાતના વિકાસમાંથી ચેમ્બરને અલગ કરી શકાતું નથી. ચેમ્બરે રાજ્યના ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રના સશક્તિકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.” તેમણે વધુમાં કહ્યું કે, “આગામી 25 વર્ષ માટેનો સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવો સમયની જરૂરિયાત છે, તેમજ યુવાન ઉદ્યોગસાહસિકોને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું મહત્વપૂર્ણ છે.”
“ભારત સેમિકન્ડક્ટરના વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરશે” – ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારપૂર્વક જણાવ્યું કે, “ગુજરાત ચેમ્બરે પોતાના 75 વર્ષની સફરને ઉજવી છે અને રાજ્યએ 2047 સુધીનો દ્રષ્ટિકોણી વિકાસયાત્રાનો રોડમેપ પણ તૈયાર કર્યો છે.” તેમણે જણાવ્યું કે રાજ્યનું અર્થતંત્ર USD 3.5 ટ્રિલિયન સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે અને સરકાર ‘ગ્રીન ગ્રોથ’ને કેન્દ્રમાં રાખીને આગળ વધી રહી છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, “ગુજરાત આજે વૈશ્વિક કંપનીઓ અને વિદેશી મૂડી રોકાણ (FDI) માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, અને સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરશે.”
આ ટ્રેડ એક્સ્પો ગુજરાતના વિકાસમાર્ગે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે, જેમાં નવા વિચાર, નવી તક અને નવો ઉદ્યોગસાહસિક વિઝન જોવા મળશે.