GECMS-2025 Policy: નવી પૉલિસીથી 35,000 કરોડનું રોકાણ અને ઉચ્ચ કૌશલ્યભર્યું રોજગાર મળશે
GECMS-2025 Policy: ગુજરાત સરકાર દ્વારા GECMS-2025 Policy જાહેર કરવામાં આવી છે, જે રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો વિકાસ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પૉલિસીની જાહેરાત કરતાં જણાવ્યું કે હવે ગુજરાત વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં એક મજબૂત સ્થાન મેળવશે.
કેન્દ્ર-રાજ્યનો સંયુક્ત લાભ
GECMS-2025 Policyનું ખાસ ધ્યાન એ છે કે જે પ્રોજેક્ટોને કેન્દ્ર સરકારના MeitY દ્વારા મંજૂરી મળે છે, તેમને ગુજરાત સરકાર પણ 100 ટકા ટૉપ-અપ સહાય પૂરી પાડશે. એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર થતી સહાય બાદ રાજ્ય સરકાર પણ સમાન ગ્રાન્ટ આપી શકશે. મંજૂરી મળ્યાના 30 દિવસમાં રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સનું કેન્દ્ર બનશે
ગુજરાત પહેલાથી જ મેન્યુફેક્ચરિંગ અને ઓટો હબ તરીકે જાણીતું છે. હાલ રાજ્યમાં ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત છે. GECMS-2025 Policyથી અપસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીને પણ નવી તાકાત મળશે, આયાત પરનો ભાર ઘટશે અને ટેક્નોલોજી ક્ષેત્રમાં સ્વાવલંબન આવશે.
35,000 કરોડનું રોકાણ અને ઉચ્ચ કુશળ રોજગારી
પૉલિસી હેઠળ રૂ. 35,000 કરોડનું રોકાણ લાવવાનું તથા વધુમાં વધુ ઉચ્ચ કુશળ રોજગાર સર્જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. એચડીઆઈ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, લિથિયમ આયન સેલ, એસએમડી પેસિવ કમ્પોનન્ટ્સ, ડિસ્પ્લે તથા કેમેરા મોડ્યુલ્સ સહિતના ઉદ્યોગોને રાજ્યમાં સ્થાપિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી સહાય આપવામાં આવશે.
આર એન્ડ ડી માટે ખાસ પેકેજ
GECMS-2025 Policyમાં ઇનોવેશન અને આર એન્ડ ડી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. રાજ્યમાં સ્થાપિત માન્ય સંસ્થાઓ માટે સેન્ટર ઓફ એક્સલન્સ, ફિનિશિંગ સ્કૂલ્સ તથા એપ્લાઇડ રિસર્ચ લેબ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 12.5 કરોડ સુધીની મેચિંગ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પૉલિસીનો સમયગાળો અને અમલીકરણ
પૉલિસીનો સમયગાળો ભારત સરકારની ECMS પૉલિસી જેટલો જ રહેશે. તમામ પ્રક્રિયાઓ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) દ્વારા અમલમાં મૂકવામાં આવશે.
મુખ્ય હેતુઓ
વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં ગુજરાતનું સ્થાન મજબૂત બનાવવું
આયાત પરની નિર્ભરતા ઘટાડવી
સ્થાનિક કમ્પોનન્ટ્સ અને સબ-એસેમ્બલી મેન્યુફેક્ચરિંગ દ્વારા નિકાસમાં વધારો કરવો
પાત્રતા અને લાભ
કેન્દ્ર સરકારના MeitY દ્વારા મંજૂર થયેલા પ્રોજેક્ટ્સને રાજ્યમાં આપમેળે પૉલિસીનો લાભ મળે
નવા તથા ચાલી રહેલા પ્રોજેક્ટ્સ પણ પૉલિસીનો લાભ લઈ શકે
જે એકમો ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પૉલિસી 2022–28 હેઠળ લાભ મેળવે છે, તેમને GECMS-2025 હેઠળ લાભ નહીં મળે
વધારાના ઇન્સેન્ટિવ્સ
કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા લોજિસ્ટિક્સ માટે જરૂરી સહાય ઉપલબ્ધ
રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર થયેલી સહાય બાદ 30 કાર્ય દિવસમાં ચુકવણી