Ghambhira Bridge Collapse : જેમ કે ધરતીકંપ આવ્યો હોય એવી ભયાવહ લાગણી
Ghambhira Bridge Collapse : વડોદરા અને આણંદને જોડતો 45 વર્ષ જૂનો ગંભીરા પુલ વહેલી સવારે તૂટી પડ્યો અને દૃશ્ય એવા હતા કે જાણે ધરતીકંપ આવ્યો હોય. પ્રત્યક્ષદર્શીઓએ આપેલા હૃદય સ્પર્શી વર્ણનો મુજબ અકસ્માત એટલો અચાનક થયો કે લોકોનું દિલ ધબકવા લાગ્યું. ઘણા વાહનો પુલ સાથે સીધા મહીસાગર નદીમાં ખાબક્યા હતા. કેટલીક વખત સંતુલિત રહેતી ક્ષણોએ કેટલાકને જીવતા જ બહાર આવવાની તક આપી.
પહેલા એક ઝાટકો… પછી ગુમાવેલી શ્વાસોની પળો
નરેન્દ્ર માળી, જેમણે આ ઘટના પોતાની આંખે જોઈ અને રેસ્ક્યૂમાં જોડાયા હતા, જણાવે છે કે પહેલાં એક ટ્રકનો ટાયર ઘસાયો અને ટકરાવા સાથે પુલનો ભાગ તૂટી પડ્યો. ઝડપથી ચારથી પાંચ વાહનો બે ટ્રક, એક ઇકો, પિકઅપ અને બે બાઈક—નદીમાં ખાબક્યા. તેઓ અને તેમનો માછીમાર સમાજ તરત નાવ લઈ બચાવ માટે દોડી ગયા અને ઘણા મૃતદેહ બહાર લાવ્યા.
‘બ્રેક મારીને બચી ગયાં’: બાઈક સવાર યુવકોનો અનુભવ
નવાપુરાના 25 વર્ષીય સંજય ચાવડાએ જણાવ્યું કે તેઓ કંપની જતાં હતાં ત્યારે પુલ એકદમ તૂટી પડ્યો. “પાંચ-છ વાહનો પલટાયા, અમે તરત બ્રેક મારી અને કૂદીને બચી ગયા,” એમણે ઉમેર્યું. તેમણે દ્રશ્ય વર્ણવ્યું કે જાણે ધરતીકંપ થતો હોય તેવો અહેસાસ થયો.
‘હમણા તો બચી ગયાં, પણ આંખે જોયું કે ગાડીઓ સીધી પડી ગઈ’
કિંખલોડના ભાઈઓ મહેશ અને વિજય પરમાર નોકરી પર જતા હતા ત્યારે પુલ તૂટી પડ્યો. એમનું બાઈક પંચર થતાં થોડુ મોડુ થયુ અને એજ કારણે બચી ગયા. વિજયભાઈએ જણાવ્યું કે, “પહેલા એક ટ્રક પડી, પછી એક ઇકો અને પિકઅપ નીચે પટકાઈ. અમે બ્રેક મારતા બચી ગયા. દિલના ધબકારા વધી ગયા હતા.”
‘જાણે પળભર માં આકાશમાંથી જમીન ખસી ગઈ હોય’
દ્વારકાના રાજુભાઈ આથિયાએ જણાવ્યું કે તેઓ અને તેમનો સાથી અંકલેશ્વર જતાં હતાં. પુલ અચાનક તૂટી પડતાં તેમનું વાહન પણ નીચે પડી ગયું. તેમણે જણાવ્યું કે, “હું તો જાતે પાણીમાંથી બહાર આવી ગયો, પણ મારા સાથીનો પતો નથી.”
સ્થાનિકોનો જીવન બચાવવાનો સંઘર્ષ
ગંભીરા ચોકડીના અતુલકુમાર પઢિયાર જણાવે છે કે, “અમે રિક્ષા લઈને ઘટના સ્થળે દોડી ગયાં. એક માસી તરતી દેખાઈ અને અમે તેમને બચાવ્યા. કેટલાક ડ્રાઈવરો ઘાયલ હતાં અને દવાખાને મોકલાયા. અત્યાર સુધી 7-8 લોકોને બચાવ્યા છે.”