Ghibli AI Image Trend Risk : Ghibli ટ્રેન્ડ બની શકે છે જોખમકારક: ફ્રી ઈમેજ લિંકથી દૂર રહેવું હિતાવહ, નકામા એક્સેસથી ડેટા ચોરીની શક્યતા
Ghibli AI Image Trend Risk : તાજેતરમાં સોશિયલ મીડિયા પર Ghibli સ્ટાઇલની કાર્ટૂન ઈમેજ જનરેટ કરવાની સેવા ખૂબ જ લોકપ્રિય બની છે. ઘણા લોકો ફ્રી ઈમેજ બનાવવાના લાલચમાં આવીને અજાણી લિંક્સ પર ક્લિક કરી રહ્યા છે, પણ એ જોખમભર્યું સાબિત થઈ શકે છે. રાજકોટ શહેર પોલીસના જણાવ્યા પ્રમાણે, આવા પ્લેટફોર્મ પર અજાણ્યા મેસેજ દ્વારા લિંક શેર થાય છે અને તેમાં ક્લિક કરવાથી લોકો પોતાનો મહત્વપૂર્ણ ડેટા ગુમાવી શકે છે.
એલર્ટ: ટ્રેન્ડ પાછળ છુપાયેલ ખતરો
તાજેતરમાં AI આધારિત Ghibli-style ફોટો જનરેટિંગ એપ્લિકેશનો અને વેબસાઈટ્સનું ટ્રેન્ડ વધ્યું છે. આ પ્રકારની એપ્લિકેશનો અમુક મફત ઈમેજ આપે છે અને ત્યારબાદ સબ્સ્ક્રિપ્શન માંગે છે. કેટલાક કેસમાં, લોકો પોતાની ફોટો, ગેલેરી, કોન્ટેક્ટ્સ અને અન્ય પર્સનલ માહિતી માટે સંપૂર્ણ એક્સેસ આપી દે છે – જેને સાયબર ગુનાહિત તત્વો દુરુપયોગ કરી શકે છે.
સાયબર ક્રાઈમ પોલીસની ચેતવણી
રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસના એસીપી ચિંતન પટેલ જણાવે છે કે ઘણા યુઝર્સ ફ્રી સેવાઓના લાલચમાં આવીને અજાણી એપ્લિકેશન કે વેબસાઈટ પર ક્લિક કરે છે અને પોતાના ડિવાઇસનો સંપૂર્ણ એક્સેસ આપી દે છે. પરિણામે, ફોટો અને વીડિયો મોર્ફ કરી વ્યક્તિને બ્લેકમેઇલ કરવાના મામલાઓ નોંધાઈ રહ્યા છે.
તમારી ગેરહાજરીમાં પણ થઈ શકે છે ડેટાનો દુરુપયોગ
તમે જયારે તમારા ફોટા AI ટૂલમાં અપલોડ કરો છો ત્યારે ઘણા પ્લેટફોર્મ તમારા ફોટાનો ઉપયોગ તેમના મોડલ ટ્રેનિંગ માટે કરે છે. જો તમે સ્પષ્ટ રીતે ‘opt-out’ ના કરો, તો તમારું ડેટા વ્યક્તિગત જાહેરાતો માટે પણ વપરાઈ શકે છે. કેટલીક AI સેવાઓ તો તમારા ફોટાને વિડીયો જનરેશનમાં પણ ઉપયોગ કરે છે, જેનાથી ખતરો વધુ વધી જાય છે.
નિયમો વાંચ્યા વગર ‘એક્સેસ’ આપવો ખતરનાક
કોઈપણ AI ટૂલ કે ઇમેજ જનરેટરનો ઉપયોગ કરતા પહેલાં તેની સર્વિસ ટર્મ્સ અને પ્રાઈવસી પોલિસી ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ. મોટાભાગના લોકો નિયમો વાંચ્યા વિના “Allow Access” બટન પર ક્લિક કરી દે છે, જેના કારણે તેમનો ડેટા કેવી રીતે વપરાશે એની જાણ પણ રહેતી નથી.
પોલીસની અપીલ: અજાણી લિંક્સથી બચો
રાજકોટ પોલીસએ લોકોને અનુરોધ કર્યો છે કે કોઈપણ અજાણી લિંક કે મેસેજ પર ક્લિક ન કરો. કોઈ સાયબર ગેરકાયદે પ્રવૃત્તિમાં ફસાઈ જાઓ તો તરત જ 1930 સાયબર હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. તમારો ડેટા સુરક્ષિત રાખવો તમારી પ્રાથમિક જવાબદારી છે.