Gir Somnath: રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી
ભક્તોનું ઘોડાપૂર સોમનાથ મહાદેવના મંદિરમાં ઉમટી પડ્યું
મંદિર દર્શનાર્થીઓ માટે સતત 42 કલાક સુધી ખુલ્લું રહેશે
મહાશિવરાત્રીના પાવન અવસરે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર
Gir Somnath : મહાશિવરાત્રીના પાવન પ્રસંગે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ભક્તિભર્યા દર્શન માટે વહેલી સવારે 4 વાગ્યાથી મંદિરના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું, અને સમગ્ર પરિસર “જય સોમનાથ” અને “હર હર મહાદેવ”ના જયઘોષથી ગુંજી ઉઠ્યું. આ પાવન અવસરે મહાદેવની પ્રાતઃકાળે વિશેષ પૂજા સાથે વિશ્વશાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી, તેમજ ભવ્ય શૃંગાર કરી મહાદેવને અર્પણ કરવામાં આવ્યો.
42 કલાક અવિરત દર્શન વ્યવસ્થા
મહાશિવરાત્રીના પવિત્ર પર્વે ભક્તો માટે સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લું રહેશે, જેમાં દિવસભર વિવિધ ધાર્મિક વિધિઓ અને આરતીઓ યોજાશે. વિવિધ રાજ્યો અને શહેરોથી આવેલાં ભક્તજનો વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા. કઈંક શ્રદ્ધાળુઓ માટે તો આ સોમનાથ મહાદેવના પ્રથમ દર્શનનો અવસર હતો, જે તેઓ માટે એક દિવ્ય અનુભવ બની રહ્યો હતો.
સોમનાથમાં ભક્તિનો સાગર ઉમટ્યો
સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓએ પરિવારજનો સાથે ભક્તિભાવપૂર્વક મહાદેવની આરાધના કરી અને વિશ્વશાંતિ તેમજ સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. દેશના ઉન્નતિ પથ પર આગળ વધવા માટે દુઆઓ થઈ, અને સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયો. મહાશિવરાત્રિના પાવન અવસરે સોમનાથ મંદિર ભક્તોની ઉલ્લાસભરી ભક્તિથી ગુંજી ઉઠ્યું, જ્યાં “જય સોમનાથ” અને “હર હર મહાદેવ”ના નાદ સતત સંભળાતા રહ્યા.