Global Patidar Business Summit : ઈતિહાસિક ક્ષણ! પહેલીવાર વિદેશમાં યોજાશે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ
Global Patidar Business Summit : પાટીદાર સમાજે હંમેશા નવીનતાને સ્વીકારી છે અને સમયાંતરે કંઈક નવું સર્જન કર્યું છે. વિશ્વભરમાં વસવાટ કરતા પાટીદારો હવે એક ઈતિહાસ રચવા જઈ રહ્યાં છે, જે ગૌરવની ક્ષણ બની રહેશે. વર્ષ 2026માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) પહેલીવાર વિદેશમાં, અમેરિકાના ફ્લોરિડાના ઓર્લાન્ડોમાં યોજાવાની જાહેરાત કરવામાં આવી છે. આ સમિટ વિશ્વભરના પાટીદાર ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગજગત માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડશે.
ભવ્ય આયોજન: ક્યારે અને ક્યાં થશે સમિટ?
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2026 ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં ઓર્લાન્ડો, ફ્લોરિડા ખાતે યોજાશે. આ સમિટ માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આમંત્રણ અપાશે.
GPBS-2026 માટે ખાસ ફોકસ ડિફેન્સ, એન્જિનિયરિંગ, ફૂડ અને કેમિકલ સેક્ટર પર રહેશે. ભારતમાંથી નિકાસ થતી વિવિધ પ્રોડક્ટ્સ માટે ખાસ સ્ટોલ્સ રાખવામાં આવશે. સમગ્ર સમિટ માટે 10 વિશાળ ડોમ તૈયાર કરાશે, જેમાં અલગ-અલગ ઉદ્યોગોને રજૂ કરવામાં આવશે. ખાસ કરીને, એગ્રીકલ્ચર ડોમની જગ્યાએ “રેડી-ટુ-ઈટ” ડોમને સ્થાન અપાશે, જે ફૂડ અને FMCG ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ રહેશે.
વિશ્વભરમાં ભારતીય ઉદ્યોગ માટે સેતુ
GPBS-2026 બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) અને બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર (B2C) બંને મોડલ પર આધારિત રહેશે.
સરદારધામ સંસ્થાનની ટીમે સમિટ માટે અમેરિકામાં તૈયારી શરૂ કરી દીધી છે. આ ઇવેન્ટ માટે 1,500 થી 2,000 સ્ટોલ રાખવાની યોજના છે. ખાસ કરીને, અમેરિકામાં વસતા પાટીદાર ઉદ્યોગપતિઓ, જેમ કે મોટેલ, રેસ્ટોરન્ટ અને ગ્રોસરી બિઝનેસ સાથે સંકળાયેલા લોકો માટે આ સમિટ મહત્વપૂર્ણ રહેશે.
વિશ્વસંચારી પાટીદારો માટે ગ્લોબલ નેટવર્કિંગનો અવસર
સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયાએ જણાવ્યું કે, “આ સમિટનો ઉદ્દેશ સમગ્ર પાટીદાર સમાજને વૈશ્વિક ઉદ્યોગ સાથે કનેક્ટ કરવાનું છે. યુરોપ, અમેરિકા, કેનેડા અને આફ્રિકાના ઉદ્યોગપતિઓ માટે ગ્લોબલ બિઝનેસ ટાઈઅપનું પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવું એ અમારું લક્ષ્ય છે.”
GPBS-2026 એક નવીન ઉદ્યમી સંભાવનાઓ, નેટવર્કિંગ અને આંતરરાષ્ટ્રીય વેપાર માટેનો મજબૂત આધાર બનશે, જે પાટીદાર સમાજ અને સમગ્ર ભારતીય ઉદ્યોગ જગત માટે એક ગૌરવભરી ક્ષણ સાબિત થશે.