ગુજરાતમાં પહેલું લોકડાઉન(25 માર્ચ) શરૂ થયું ત્યારથી લાયસન્સવાળી દારૂની દુકાનો (લિકર શોપ) બંધ છે. હવે ચોથા તબક્કાનો લોકડાઉન પૂર્ણતા તરફ છે, ત્યારે હવે લાયસન્સવાળી દુકાનો ખૂલવાના એંધાણ છે. રાજ્ય સરકાર 31મે સુધીમાં અથવા ત્યારબાદ તુરંત આવી દુકાનો ખોલવાની છૂટ આપવા માંગતી હોવાની માહિતી મળે છે. રાજ્યમાં લગભગ દારૂની દુકાનો 5 સ્ટાર હોટલોમાં આવેલી છે. 70 જેટલી હોટલોની સાથે સરકારમાન્ય દારૂની દુકાનો નોંધાયેલી હોય છે, ત્યાંથી પરવાના ધારકને નિયત માત્રામાં યુનિટ દીઠ દારૂ મળી રહે છે. દારૂનો પરવાનો મેળવવા માટે આરોગ્યનો હેતુ હોવો જરૂરી છે.
સરકારી સિવિલ હોસ્પિટલોમાં તપાસ કરી નિયમ મુજબ દારૂની પરમિટ આપવામાં આવે છે. રાજ્યમાં આવા 27 હજાર જેટલા લોકો દારૂ ખરીદવાનો અને બંધ બારણે પીવાની પરમિટ ધરાવે છે. લોકડાઉનમાં છૂટછાટ મળતાં હવે આંતરરાજ્ય ફલાઇટ શરૂ થઇ છે અને ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રિય ફલાઇટ શરૂ થવાની શક્યતા છે. હાલ માત્ર કોરોનાની કામગીરી સાથે જોડાયેલી હોટલોને જ દર્દીઓની સુવિધા માટે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.