Gopal Italia Visavadar: પેટા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ, ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર કાર્યકર ખરીદવાનો આક્ષેપ મૂકતા ચકચાર
Gopal Italia Visavadar: વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી હવે છેલ્લાં તબક્કામાં છે અને મતદાનમાં ગણતરીના કલાકો જ બાકી છે. તેવી ઘડીએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ચોંકાવનારો કદમ ઉઠાવતાં રાજકીય માહોલ વધુ ગરમાવ્યો છે.
તેઓ રોકડા રૂપિયા બે લાખ સાથે સીધા પ્રાંત કચેરી પહોંચ્યા હતા અને ભાજપ સામે ગંભીર આક્ષેપ કર્યા. તેમનું કહેવું છે કે વિસાવદર વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષો દ્વારા આમઆદમી પાર્ટીના કાર્યકરોને લલચાવવાનો અને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
‘હોટલમાં દલિલો અને પૈસાની આપલે ‘: ઈટાલિયાનો આરોપ
ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, વિસાવદરની એક હોટલમાં તેમની પાર્ટીના તાલુકા મહામંત્રીને બોલાવીને બે લાખ રૂપિયા આપવામાં આવ્યા. તેમની પાસે એવા પુરાવાઓ છે કે કાર્યકરને ખરીદવાનો પ્રયત્ન થયો હતો. આ આખી ઘટના સામે રજૂ કરવા અને તપાસની માંગ માટે તેઓ પ્રાંત અધિકારી સમક્ષ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા.
એફિડેવિટમાં સંકલ્પ સાથે જાહેર વચન
માત્ર આક્ષેપોથી જ નહિ, પણ ઇટાલિયાએ ચૂંટણી પૂર્વે પોતાની જવાબદારી નિભાવવાનો સંકલ્પ પણ જાહેર રીતે લીધો છે. તેમણે જાહેરનામા દ્વારા જણાવ્યું કે:
ખેડૂતોના ઇકો ઝોન સામે લડત લડીશ.
જમીનની નવી માપણીનો વિરોધ કરવાનું વચન આપ્યું.
ટેકાના ભાવે ખરીદીમાં ભ્રષ્ટાચાર ન થાય તેનું ધ્યાન રાખીશ.
સહકારી મંડળી કૌભાંડમાં અન્યાય થયો હોય તો ન્યાય અપાવીશ.
સરકારી દવાખાનામાં સ્ટાફની અછત દૂર કરવા પ્રયાસ કરીશ.
ગરીબોને BPL કાર્ડ મળી રહે તે માટે પ્રયાસ કરાશે.
વન વિભાગ અને PGVCL દ્વારા ખેડૂત સામે ખોટી ફરિયાદ થાય તો કાયદેસર લડત આપીશ.
મહિલાઓ માટે ઘરઆધારિત રોજગારીના અવસરો ઊભા કરવાના પ્રયાસો કરીશ.
ચૂંટણી બાદ પણ મારી ઓફિસ નાગરિકો માટે ખુલ્લી રહેશે.
વિસાવદરની રાજનીતિમાં ઉથલપાથલ
જેમ જેમ મતદાન નજીક આવી રહ્યું છે, તેમ તેમ રાજકીય ગરમાવો રુપ લઈ રહ્યો છે. ગોપાલ ઈટાલિયાનો આ પગલાં ભાજપ અને કોંગ્રેસ બંને માટે અણપેક્ષિત ઘડીઓ સર્જી શકે છે.