GSEB ધોરણ 12 પરિણામ આજે જાહેર: વિદ્યાર્થીઓ વેબસાઇટ અથવા WhatsApp દ્વારા જોઈ શકશે પરિણામ
GSEB ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે તારીખ 5 મે, 2025ના રોજ સવારે 10:30 વાગ્યે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ લાંબા સમયથી આ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે એક્સ (પૂર્વે Twitter) પર માહિતી આપીને જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી-માર્ચ 2025 દરમ્યાન લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત મધ્યમની પરીક્ષાનું પરિણામ 5 મેના રોજ જાહેર કરવામાં આવશે.
ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-૨૦૨૫ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ તા.૦૫/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જાહેર કરવામાં આવશે.@CMOGuj l @InfoGujarat l @PMOIndia
— Dr. Kuber Dindor (@kuberdindor) May 4, 2025
વિદ્યાર્થીઓ તેમનું પરિણામ બોર્ડની અધિકૃત વેબસાઇટ www.gseb.org પર જઈને જોઈ શકે છે. અહીં તેમને માત્ર પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) દાખલ કરવો પડશે. સાથે જ, વિદ્યાર્થીઓ WhatsApp નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે.
આ વર્ષે ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષા કુલ 4.23 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી, જ્યારે વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 10 માટે રાજ્યભરના 989 અને ધોરણ 12 માટે 672 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી.
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ અગાઉ જણાવ્યું હતું કે, પરીક્ષા વહેલી લેવાઈ હોવાથી પરિણામ પણ સમય કરતાં વહેલા જાહેર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડનો સ્ટાફ સતત મહેનત કરીને વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા માટે કાર્યરત રહ્યો છે.
પરિણામ પ્રકાશિત થયા બાદ વિદ્યાર્થીઓને ગુણપત્રક (Marksheet), પ્રમાણપત્ર અને SR શાળાઓમાં મોકલવાના સુચનો અલગથી આપવામાં આવશે. આ કારણસર, હાલ માત્ર ઓનલાઈન પરિણામ જોવા પર ધ્યાન કેન્દ્રિત કરવું.
વિદ્યાર્થીઓને સલાહ છે કે તેઓ પરિણામ જોવા માટે આગળથી તૈયારી રાખે અને બોર્ડની વેબસાઇટ અથવા વોટ્સએપ સેવા માટે પોતાનો બેઠક ક્રમાંક તૈયાર રાખે.