ગુજરાત માં પ્રદુષણ ફેલાવતી ફેકટરીઓ સામે કુણું વલણ ધરાવતા લાંચિયાઓ ના પાપે જનતા ભોગ બની રહી છે અને સર્વત્ર ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે ત્યારે જામનગરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરજ બજાવતા અને ગાંધીનગરમાં રહેતા ક્લાસ 1 અધિકારી ભાયા સૂત્રેજાને શનિવારે 5 લાખ રોકડ સાથે એસીબીએ ઝડપી લેતા અન્ય લાચિયા તત્વો ફફડી ઉઠ્યા છે. તપાસ દરમ્યાન તેમની પાસેથી લાખ્ખો ની બેનામી સંપત્તિ મળી આવી છે જેનો હિસાબ ન આપી નહિ શકતા તે અંગે પણ તેઓ સામે ગુનો નોંધાયો છે.
ગાંધીનગરમાં સેક્ટર-30 ગોલ્ડન પાર્ક સોસાયટીમાં પ્લોટ નં-671/2 ખાતે રહેતાં જીપીસીબીના અધિકારી ભાયા ગીગાભાઈ સૂત્રેજા દર અઠવાડિયે રાજકોટથી ગાંધીનગર આવતા હતા. અધિકારી લાંચની મોટી રકમ લઈને ઘરે આવતા હોવાની બાતમીના આધારે એસીબી ગાંધીનગર એકમના મદદનીશ નિયામક એ. કે. પરમારે ટીમો સક્રિય કરી હતી, જેમાં પીઆઈ આર. એન. પટેલની ટીમે શુક્રવારે રાત્રે વોચ ગોઠવીને ચ-6 સર્કલ પાસેથી અધિકારી સૂત્રેજાને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી રોકડા રૂ .5.9 લાખ મળી આવ્યા હતા ત્યારબાદ એસીબીએ આ અધિકારીના ઘરે તપાસ કરતાં 5 લાખ રોકડ અને 80 હજારની 20 ગ્રામ સોનાની લગડીઓ મળી આવી હતી.
તપાસ દરમિયાન 24 કલાકથી વધુ સમય નીકળી જવા છતાં અધિકારી સૂત્રેજા 10 લાખથી વધુની રોકડ અંગે કોઈ પુરાવા આપી શક્યો ન હતો. જેને પગલે ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનમાં તેની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. કેસની તપાસ પીઆઈ એચ. બી. ચાવડાએ શરૂ કરી છે. જામનગર જીપીસીબીના ભ્રષ્ટ અધિકારી એસીબીના સંકજામાં આવી જતા અન્ય ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Tuesday, May 14