GPSC Exam: ઓપરેશન સિંદૂરની વચ્ચે GPSC પરીક્ષા યથાવત: ચેરમેન હસમુખ પટેલે સ્પષ્ટતા કરી
GPSC Exam: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના પગલે સમગ્ર દેશમાં હાઇ અલર્ટ ઘોષિત કરાયો છે. ગુજરાતમાં પણ બોર્ડર વિસ્તારોમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. આવા સંજોગોમાં અનેક ઉમેદવારોમાં GPSCની પરીક્ષા અંગે ઉહાપોહ ફેલાયો હતો.
ત્યારે હવે આ અંગે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે કે, 11 મે રવિવારના રોજ યોજાનારી GPSC વર્ગ-2ની પરીક્ષા યથાવત રહેશે. તેમણે આ માહિતી પોતાના સત્તાવાર X (પૂર્વે Twitter) એકાઉન્ટ પર પોસ્ટ કરીને આપી છે.
આ પરીક્ષા રાજ્યના કુલ 405 કેન્દ્રો પર યોજાનાર છે. GPSCએ સ્પષ્ટ જણાવ્યુ છે કે, પરીક્ષા પૂર્ણ થયા પછી ઉમેદવારની હાજરીમાં ઉત્તરવહીને પેક કરવામાં આવશે અને ઉમેદવારની સહી લેવામાં આવશે. ત્યારબાદ જ ઉમેદવારને બહાર જવાની મંજૂરી અપાશે.
આ પરીક્ષા મદદનીશ પર્યાવરણ ઇજનેર વર્ગ-2 માટે રાખવામાં આવી છે અને પેપર 1 માટેનો સમય સવારે 11 વાગ્યાનો છે.
GPSC દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ પ્રકારની નવી સૂચનાઓ કે ફેરફાર આયોગની સત્તાવાર વેબસાઇટ પર જ અપલોડ કરવામાં આવશે. તેથી તમામ ઉમેદવારોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ નિયમિત રીતે વેબસાઇટ gpsc.gujarat.gov.in અને GPSCના સત્તાવાર ડિજિટલ પ્લેટફોર્મ્સ ચકાસતા રહે.