Gujarat Weather: ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે, જાણો અમદાવાદ સહિત અન્ય શહેરોની સ્થિતિ
Gujarat Weather: ગુજરાતમાં હવે ઠંડી ધીમે ધીમે વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. લઘુત્તમ તાપમાન 14.1 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું છે.
Gujarat Weather અમદાવાદમાં પણ લઘુત્તમ પારો 18.6 ડિગ્રીએ પહોંચી ગયો છે. સાથે જ મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાતા શહેરમાં ઠંડીનો અહેસાસ થયો હતો. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ-ચાર દિવસ સુધી આવું જ વાતાવરણ જોવા મળી શકે છે.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી અને ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે, દરમિયાન ગત રાત્રે તાપમાનનો પારો 15.0 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો હતો. સાથે જ શહેરવાસીઓ ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળે છે.
તાપમાન શું હતું
છેલ્લા પાંચ દિવસથી ઠંડીનું જોર દિનપ્રતિદિન વધી રહ્યું હતું અને તાપમાનનો પારો 20.0 ડિગ્રીથી ઘટીને 17.0 ડિગ્રીએ પહોંચતા રાત્રે ઠંડીનો અહેસાસ થયો હતો, જેમાં આજે સવારે નજીવા વધારા સાથે લઘુત્તમ તાપમાન 15.0 ડિગ્રી નોંધાયું હતું. આવી સ્થિતિમાં શહેરવાસીઓ ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી અને ગરમી સહિત મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ઠંડી ઉપરાંત બપોરના સમયે આકરી ગરમી અને સવારે ધુમ્મસનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં પ્રથમ દિવસે સવારથી જ ઠંડીની તીવ્રતા વધી છે અને ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે નીચે સરકી રહ્યું છે.
દરમિયાન આજે સવારે 8 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 15.0 ડિગ્રી સેન્ટીગ્રેડ અને મહત્તમ તાપમાન 31.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 55 ટકા હતું જ્યારે પવનની સરેરાશ ગતિ 20 થી 25 કિમી પ્રતિ કલાકની રહી હતી. હાલાર પંથકમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.