કોરોના મહામારીને કારણે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની ડિપ્લોમાં અને યુજીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની આજે ઓનલાઈન પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષામાં ટેકનિકલ ખામી સર્જાતા 1 હજાર જેટલા યુજીના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષામાં ન જોડાઈ શક્યા. પાસવર્ડ અને રજીસ્ટર્ડ ઈન્સ્ટ્રુમેન્ટ બદલાતા વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા માટે લોગઈન ન કરી શકતા સમસ્યા સર્જાઈ હતી. જેને કારણે 12,500 માંથી આશરે 11,500 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 1 હજાર જેટલા વિદ્યાર્થીઓની આગામી દિવસમાં ફરીથી પરીક્ષા લેવાશે. 17 ઓગસ્ટના રોજ બાકી રહી ગયેલા યુજીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય તેવી શક્યતા છે.
આજે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા કોરોના મહામારીના કારણે ઓનલાઈન પરીક્ષા યોજવામાં આવી હતી. કોરોના મહામારીને કારણે GTU દ્વારા MCQ ફોર્મેટમાં પરીક્ષા લેવાઈ હતી. ઓનલાઈન એક્ઝામમાં વિદ્યાર્થીઓને 70 મિનિટમાં 56 MCQ પુછાયા હતા. વિદ્યાર્થીઓએ ડેસ્કટોપ, લેપટોપ, ટેબ્લેટ અથવા મોબાઈલ દ્વારા ઓનલાઈન પરીક્ષા આપી હતી. જીટીયુ દ્વારા લેપટોપ અને ડેસ્કટોપમાં વિન્ડોઝ 7 અથવા તેના કરતાં ઉપરની ઓપરેટિંગ સિસ્ટમ હોવી જરૂરી તો ટેબ્લેટમાં એન્ડ્રોઇડ 6 અથવા તેના કરતાં ઉપરનું વર્ઝન જરૂરી કર્યું હતું. નોંધનીય છે કે ઓનલાઈન પરીક્ષા ન આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ 18 ઓગસ્ટના રોજ ઓફલાઈન પરીક્ષા આપી શકશે. ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા ના આપવા માગતા અથવા ના આપી શકતા વિદ્યાર્થીઓ માટે સપ્ટેમ્બર મહિનામાં સ્પેશિયલ પરીક્ષા ઓફલાઈન મોડમાં પરીક્ષા લેવાશે.