ગુજરાત માં એક તરફ કોરોના વાયરસ ની મહામારી વકરી રહી છે અને બીજી બાજુ કોરોના કારણે રાજ્યના ચાર મહાનગરોમાં જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ ની સમયમર્યાદા પુરી થવા જઈ રહી છે. કોરોનાની વકરતી સ્થિતિ વચ્ચે રાજ્યમાં ફરી એકવાર લોકડાઉન અફવાઓએ જોર પકડ્યું છે ત્યારે હવે આ મામલે ટૂંક સમયમાં જ નિર્ણય લેવાઈ શકે છે.
રાજ્યના ચાર મહાનગરો આવતીકાલે રાત્રી કર્યુ ની અવધી પુર્ણ થશે. વધતા સંક્રમણને પગલે કર્યુ રાખવો કે સમય બદલવો તે અંગે નિર્ણય લેવામાં આવશે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસની સ્થિતિ વકરી રહી છે.
24 કલાકમાં કોરોનાના કેસોનો આંકડો ડરાવી રહ્યો છે. અમદાવાદ અને સુરતમાં તો કોરોના વધારે બેકાબુ બની રહ્યો છે. તો સૌરાષ્ટ્રમાં પણ સંક્રમણનો આંક સતત ઉચકાઈ રહ્યો છે. કોરોનાનું રસીકરણ ચાલી રહ્યું હોવા છતાંય ઉભી થયેલી આ સ્થિતિએ તંત્રની ચિંતા વધારી છે.
રાજ્યના ચાર મહાનગરો અમદાવાર, સુરત, વડોદરા અને રાજકોટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી નાઈટ કરફ્યુ લાદવામાં આવ્યો છે. આ ચારેય શહેરોમાં હાલ રાત્રે 12 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લદાયેલો છે. આ રાત્રી કરફ્યુની સમયમર્યાદા આવતી કાલે 15મી માર્ચે પુરી થવા જઈ રહી છે. તો હવે કોરોનાની વકરી રહેલી સ્થિતિ વચ્ચે શું રાત્રી કરફ્યુની સમયમર્યાદા લંબાવવામાં આવશે કે લોકડાઉન જેવી સ્થિતિ ઉભી થશે તેને લઈને લોકોમાં ચિંતા પેઠી છે.
આ મામલે મુખ્યમંત્રી નિવાસ્થાને મળતી હાઈલેવલની કમિટીની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે. લોકમુખે એવી પણ ચર્ચા છે કે, તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોરોના ગાઈડલાઈન્સ અને નિયમોને નેવે મુકીને યોજવામાં આવેલી રેલીઓ અને મોટેરા ખાતે ચાલી રહેલી ક્રિકેટ મેચમાં હજારો પ્રેક્ષકોને આપવામાં આવી રહેલા પ્રવેશના કારણે કોરોનાની સ્થિતિ વકરી છે. હવે કોરોનાની વકરતી સ્થિતિ વચ્ચે હાઈલેવલ કમિટી દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર છે.