વલસાડ જિલ્લામાં બિપરજોય ચક્રવાતની આગાહીના પગલે વલસાડ વહીવટીતંત્ર એલર્ટ પર છે. જિલ્લાના કાંઠા વિસ્તારમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. વલસાડ શહેરમાં પણ ભારે પવનના કારણે બેચર રોડ પર એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. જેના કારણે રોડ પર મોપેડ પરથી પસાર થતો એક પરિવાર ઝાડ નીચે દટાઈ ગયો હતો. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે.
ઝાડ નીચે ફસાયેલા પરિવારનો બચાવ થયો
આ ઘટના બાદ આસપાસના લોકો ઝાડ નીચે ફસાયેલા પરિવારને બહાર કાઢવા દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ વલસાડ નગરપાલિકાની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. મહત્વનું છે કે, આગામી સમયમાં વલસાડ જિલ્લાના દરિયાકાંઠે તોફાની વાતાવરણ સર્જાવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. આવી સ્થિતિમાં વલસાડના નારગોલથી તિથલ સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.
NDRFની ટીમ વલસાડ પહોંચી
બીજી તરફ NDRFની ટીમ વલસાડ પહોંચી ગઈ છે. ટીમ રાહત સામગ્રી સાથે વલસાડ પહોંચી છે. આ સાથે તિથલ અને નારગોલ બીચ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. દરિયાકાંઠાના 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવશે.