Gujarat Airport Reopen : ગુજરાતમાં એર ટ્રાવેલ નોર્મલ થયું, જાણો ક્યા એરપોર્ટ શરૂ થયા
Gujarat Airport Reopen : ગુજરાતના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પછી બંધ કરાયેલા એરપોર્ટ હવે ફરીથી ખુલવા લાગ્યા છે. ખાસ કરીને, જામનગર સહિત ગુજરાતના 8 મુખ્ય એરપોર્ટ હવે નાગરિક વિમાન ઉડાનો માટે પુનઃસક્રિય કરવામાં આવ્યા છે. એરપોર્ટ ડિરેક્ટર ડી.કે. સિંહે આ માહિતી આપતા કહ્યું કે “આ એરપોર્ટ્સ હવે સામાન્ય રીતે કાર્યરત રહેશે અને મુસાફરો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.”
કેન્દ્ર સરકાર દ્વારા NOTAM પાછું ખેંચાયું
વિમાની ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માહિતી સમાવનાર નોટિસ ટુ એરમેન (NOTAM) હેઠળ દેશમાં 32 જેટલા એરપોર્ટ્સ 15 મેથી નાગરિક વિમાનો માટે બંધ કરાયા હતા. પરંતુ હવે ભારત સરકારે આ નોટમ પાછું ખેંચી લીધો છે. તમામ એરપોર્ટ ફરી કાર્યરત થયા છે અને ફ્લાઇટ શેડ્યૂલ હવે ધીમે ધીમે પુનઃ સામાન્ય થવાનો અંદાજ છે.
ગુજરાતના કયા એરપોર્ટ પુનઃ શરૂ થયા?
ગુજરાતના નીચેના આઠ એરપોર્ટ હવે ફરીથી સામાન્ય કામગીરી માટે ખુલ્યા છે:
જામનગર
ભુજ
કંડલા
કેશોદ
મુન્દ્રા (અદાણી)
નલિયા (એરફોર્સ સ્ટેશન)
પોરબંદર
રાજકોટ (હીરાસર)
આ ઉપરાંત ઉત્તર ભારતના અનેક એરપોર્ટ જેમ કે અમૃતસર, શ્રીનગર, લુધિયાણા, અને ચંદીગઢ સહિત અન્ય પણ ફરી ખુલ્યા છે.
મુસાફરો માટે અગત્યની સૂચનાઓ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) અને વિવિધ એરલાઇન્સે મુસાફરો માટે નીચેની સલાહ આપી છે:
તમારી ફ્લાઇટની સ્થિતિ તપાસવા માટે એરલાઇનની સત્તાવાર વેબસાઇટ પર મુલાકાત લો
ફ્લાઇટના સમયે ફેરફાર થઈ શકે છે, તેથી સમયસર અપડેટ ચકાસતા રહો
સુરક્ષા તપાસમાં મોડું થવાની સંભાવના હોવાથી સમયસર એરપોર્ટ પર પહોંચો
500 થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હતી
જોકે યુદ્ધવિરામ બાદ હાલત સુધરતાં ફરીથી ઉડાનો શરૂ થઈ રહી છે, પરંતુ પહેલાના નોટમના પરિણામે 500 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. અત્યાર સુધી અનેક મુસાફરોને રિફંડ અને રિશેડ્યુલિંગની સુવિધા આપવામાં આવી છે.