Gujarat airport shutdown emergency : યુદ્ધ સમાન પરિસ્થિતિમાં ગુજરાતનું સઘન એલર્ટ: 14 મે સુધી 8 એરપોર્ટ બંધ, જામનગરમાં ઇમર્જન્સી જેવી સ્થિતિ ઘોષિત
Gujarat airport shutdown emergency : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હોય તેવી શક્યતાઓ વચ્ચે ગુજરાત સરકારે આક્રમક પગલાં લેવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ સઘન સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં મૂકી દેવામાં આવી છે. 14 મે સુધી રાજ્યના 8 જેટલા એરપોર્ટ બંધ રાખવાની જાહેરાત થઈ છે, જ્યારે ખાસ કરીને જામનગર જિલ્લાને પૂરતું ઇમર્જન્સી સ્થિતિ જેવી ઘોષણા કરવામાં આવી છે.
એરપોર્ટો પર તાળું, પોર્ટો પણ બંધ
જામનગર, કંડલા, અને મુન્દ્રા સહિતના વિસ્તારોમાં વ્યાપારી ઉડાનો બંધ કરવામાં આવી છે. 10 મેના રોજ બપોરે 3 વાગ્યાથી કંડલા અને અદાણી મુન્દ્રા પોર્ટની તમામ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. સાથે રાજ્યના 8 જેટલા એરપોર્ટ 14 મે સુધી બંધ રહેશે, જે યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિના સંકેત સમાન છે.
જામનગર: સાઇરન વગાડી ઈમર્જન્સી ઘોષિત
જામનગર જિલ્લા કલેક્ટરે આપાતકાલીન સ્થિતિની જાહેરાત સાથે શહેરમાં સાઇરન વગાડાવી નાગરિકોને સલામત રહેવા અને ઘરેથી બહાર ન નીકળવા અપીલ કરી છે. વેપારીઓ અને ધંધાકીય સંસ્થાઓને પણ આજે બધી પ્રવૃત્તિઓ બંધ રાખવા જણાવાયું છે.
સરકારી કર્મચારીઓની રજા રદ, હોસ્પિટલો રેડ ક્રોસ સાથે સજ્જ
ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના તમામ કર્મચારીઓને ફરજ પર હાજર રહેવા આદેશ અપાયો છે. સુરતમાં 50 બેડથી વધુની 59 ખાનગી હોસ્પિટલોમાં દવા, વેન્ટિલેટર, ડોક્ટરો અને ઈમરજન્સી સાધનો સાથે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રેડ ક્રોસ લગાવવાનું પણ શરૂ થઈ ગયું છે.
સરહદી જિલ્લાઓમાં ચુસ્ત તકેદારી
કચ્છ, બનાસકાંઠા, પાટણ અને જામનગર જેવા સરહદી જિલ્લામાં વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. વોકી-ટોકી, વાયરલેસ, સેટેલાઇટ ફોન, એમ્બ્યુલન્સ, જનરેટર અને દવાનો જથ્થો તૈયાર રાખવામાં આવ્યો છે. સાથે ટ્રાન્સપોર્ટ માટે પૂરતા વાહનો અને વિલેજ ઈવેક્યુએશન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યા છે.
બ્લેકઆઉટ અને “નો ડ્રોન ઝોન” ઘોષિત
સાંતલપુર તાલુકાના 71 ગામોમાં રાત્રીકાળીન બ્લેકઆઉટની અમલવારી શરૂ થઈ ગઈ છે. જામનગર અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં 24 મે સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જામનગરમાં 154 જેટલા રેડ અને યલો ઝોન વાળા સંવેદનશીલ ઇન્સ્ટોલેશનોની સુરક્ષા માટે “નો ડ્રોન ઝોન” ઘોષિત કરાયો છે.
સોશિયલ મીડિયા પર કડક નજર
અફવાઓ અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. સેનાની નીતિ પર આક્ષેપ કરતી પોસ્ટ કરવા બદલ ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગૃહમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટરો સાથે મિટિંગ કરીને આવા લોકો પર IPC હેઠળ કાર્યવાહી કરવા જણાવ્યું છે.
GPSC પરીક્ષા યથાવત રહેશે
આપાતકાલીન સ્થિતિ છતાં રાજ્યમાં આવતીકાલે યોજાનારી GPSC પરીક્ષા રદ્દ કરાઈ નથી. પરીક્ષા યથાવત યોજાશે એવી જાહેરાત કરવામાં આવી છે.
હાલમાં ગુજરાત દેશમાં તણાવભર્યા વાતાવરણમાં આંતરિક સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. રાજ્યના જુદા જુદા વિભાગો, વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સક્રિય છે. જે રીતે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, તે સામાન્ય નાગરિકોને સુરક્ષા આપવા સાથે સાથે ઇમર્જન્સી સમયે તાત્કાલિક કાર્યવાહી માટેનું સુનિશ્ચિત કરે છે.