છેલ્લા 2 વર્ષમાં માદક દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા દેશ વિરોધી તત્વોની નજર ગુજરાતના દરિયાઈ માર્ગ પર પડી છે. આવા ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના દરિયાકાંઠેથી દેશમાં હેરોઇન જેવા પ્રતિબંધિત નશીલા પદાર્થો ઘૂસાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે, ત્યારે આજે ગુજરાત પોલીસ, ATS અને ભારતીય કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા હાથ લાગી છે. જેમાં કચ્છના જખૌ પાસેથી 5 પાકિસ્તાની નાગરિકો પાસેથી કરોડો રુપિયાના ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પાકિસ્તાનથી માછીમારીની બોટમાં માદક દ્રવ્ય હેરોઈનના જંગી જથ્થાનું કન્સાઈન્મેન્ટ ગુજરાતના દરિયા કાંઠે આવી રહ્યું હોવાની ગુજરાત ATSને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ATSના અધિકારીઓએ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ સાથે સંયુક્ત ઓપરેશન હાધ ધર્યુ હતું. જેમાં કચ્છના જખૌ નજીક બાતમીના લોકેશન વિસ્તારમાં મરિન ટાસ્કફોર્સના કમાન્ડોને સાથે રાખીને સતત સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક શંકાસ્પદ પાકિસ્તાની બોટ ભારતીય જળસીમાં આવતા તેને રોકીને તલાશી લેવામાં આવી હતી. “જમજમ”નામની પાકિસ્તાની બોટમાં શોધખોલ કરતા તેમાથી પ્રતિબંધીત ડ્રગ્સ હેરોઈનના 35 પેકેટનો જથ્થો મળી આવ્યો હતો. આ 35 કિલો ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કુલ કિમત 175 કરોડ રુપિયા થવા જાય છે. આ સાથે જ બોટ પરથી 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.