Gujarat Budget 2025 : “ખુશખબર! આ યોજનામાં સહાયની રકમમાં વધારો, હવે મળશે ₹1.70 લાખ”
આવાસ સહાય રકમ ₹1.20 લાખથી વધારી ₹1.70 લાખ કરવામાં આવી, ગરીબ વર્ગ માટે મોટી રાહત
બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે અને 12 નવા હાઈ-સ્પીડ કોરિડોર દ્વારા રાજ્યમાં આધુનિક કનેક્ટિવીટી વિકસાવવામાં આવશે
ગાંધીનગર, ગુરુવાર
Gujarat Budget 2025 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 2025-26 ના બજેટને “વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું” ની દ્રષ્ટિ સાથે જનહિતકારી ગણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં રજૂ થયેલું આ બજેટ પ્રજા કલ્યાણ યોજના અને વિકાસલક્ષી યોજનાઓને સુસંગત રીતે અમલમાં મૂકવાનો એક દિશાસૂચક પગથિયું છે. ખાસ કરીને ₹50,000 કરોડના ‘વિકસિત ગુજરાત ફંડ’ ની સ્થાપના રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાઈ રહી છે. રાજ્યના ઈતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું ₹3.70 લાખ કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં 21.8% નો વધારો નોંધાયો છે.
હાઉસિંગ અને ગ્રામીણ વિકાસમાં મહત્ત્વની જાહેરાત
રાજ્યમાં 3 લાખથી વધુ નવા આવાસો નિર્માણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ગરીબ અને વંચિત વર્ગ માટે મુખ્ય બજેટની જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને, આવાસ સહાય રકમ ₹1.20 લાખથી વધારી ₹1.70 લાખ કરવામાં આવી છે.આ ઉપરાંત, ગામતળ ઉપલબ્ધ ન હોય તેવા ગરીબ લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા ₹1 લાખ સુધીની સહાય આપવામાં આવશે.
વિકાસ માટે મહત્ત્વના પગલાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવીટી માટે બજેટમાં ગોઠવાયેલી રકમને આવકારતા કહ્યું કે, છ રિજીયનલ ઇકોનોમિક પ્લાન તૈયાર કરવામાં આવશે. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૌરાષ્ટ્ર કોસ્ટલ અને કચ્છ રિજન એમ છ ગ્રોથ હબ વિકસાવવામાં આવશે. આ સાથે, બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે અને 12 નવા હાઈ-સ્પીડ કોરિડોર પણ વિકસાવવામાં આવશે.
નમોશક્તિ એક્સપ્રેસ-વે ના નિર્માણથી ઉત્તર ગુજરાતના ડીસાને સૌરાષ્ટ્રના સમુદ્રી વિસ્તાર પીપાવાવ સાથે જોડવામાં આવશે, જે ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં સુધારો લાવશે. તે ઉપરાંત, સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે દ્વારા અમદાવાદ, રાજકોટ, દ્વારકા, સોમનાથ અને પોરબંદર વચ્ચે વધુ ઝડપી અને સરળ કનેક્ટિવીટી સુનિશ્ચિત કરવામાં આવશે.
આ બજેટ દ્વારા ગુજરાતના પ્રગતિશીલ વિકાસને નવી ગતિ અને દિશા મળશે. વિક્સિત ગુજરાત માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામીણ વિકાસ અને આવાસ પ્રોત્સાહન યોજના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જેનાથી રાજ્યની પ્રજા માટે સુખદ અને લાભદાયી સંભાવનાઓ ઊભી થશે.