Gujarat Budget 2025 : ગુજરાતી સાહિત્યની વૈશ્વિક ઓળખ માટે બજેટમાં મહત્વપૂર્ણ પગલું
દેશ-વિદેશનાં લોકો નરસિંહ મહેતા અને અન્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને જાણી અને માણી શકે તે માટે ‘નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર’ માટે ₹૧૦ કરોડની જોગવાઇ
રાજ્યના લોકમેળાઓ પુન: જીવિત કરવા તથા કલા મહોત્સવના આયોજન માટે ₹૧૭ કરોડની જોગવાઇ
ગાંધીનગર, ગુરુવાર
Gujarat Budget 2025 : ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. વર્ષ 2025-26 માટે રાજ્યનું કુલ ₹3,70,250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ₹1,093 કરોડની જોગવાઇ
ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે સરકાર વિશેષ તાલીમ અને આધુનિક સુવિધાઓ વિકસાવશે. રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ₹521 કરોડ ફાળવવામાં આવ્યા છે. વિવિધ જીલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ₹125 કરોડ ફાળવ્યા છે.
ગાંધીનગરમાં પેરા હાઈ-પરફોર્મન્સ સેન્ટરના નિર્માણ માટે ₹33 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ માટે ₹182 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રાચીન ધરોહર અને સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન કરવા 12 રક્ષિત સ્મારકોનું સંરક્ષણ પૂર્ણ થઈ ગયું છે અને 4 નવા સંગ્રહાલયોના નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
ગ્રંથાલયોના વિકાસ માટે વિશેષ બજેટ
ગુજરાતમાં ગ્રંથાલયોની સુવિધાઓ વિસ્તૃત કરવા ₹138 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 71 તાલુકા મથકોએ નવા ગ્રંથાલય શરૂ કરવા માટે ₹16 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત, 7 જિલ્લા ગ્રંથાલયો અને 15 તાલુકા ગ્રંથાલયોના તબક્કાવાર નિર્માણ માટે ₹14 કરોડ ફાળવવામાં આવ્યા છે. આદિજાતિ વિસ્તારના 53 ગ્રંથાલયોમાં ઈ-લાયબ્રેરીની સુવિધા વિકસાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
સાંસ્કૃતિક પ્રોગ્રામ અને સાહિત્ય માટે બજેટ
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ સાહિત્ય અકાદમી માટે ₹208 કરોડની જોગવાઇ ફાળવવામાં આવી છે. રાજ્યના લોકમેળાઓને ફરી જીવંત કરવા અને કલા મહોત્સવના આયોજન માટે ₹17 કરોડ ફાળવવામાં આવ્યા છે.
વિશ્વવિખાત નરસિંહ મહેતા અને ગુજરાતી સાહિત્યના સંશોધન માટે ખાસ ફાળો
દેશ-વિદેશના લોકો નરસિંહ મહેતા અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને વધુ સારી રીતે જાણી શકે તે માટે ‘નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર’ માટે ₹10 કરોડની ફાળવણી કરવામાં આવી છે.