Gujarat Budget 2025: શિક્ષણ અને રોજગારી માટે સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, 36% યુવાનોને મળશે વિશેષ લાભ
ગુજરાત સરકારે આઇ.ટી.આઇ. ને અપગ્રેડ કરવા ₹૪૫૦ કરોડની જોગવાઇ કરી, જેનાથી પાંચ લાખ તાલીમાર્થીઓ લાભ લઈ શકશે
ગુજરાતના યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવા MSME અને ટેક્સટાઇલ ક્ષેત્રે નવા નીતિપ્રસ્તાવ સાથે પાંચ લાખથી વધુ રોજગારીનું નિર્માણ થવાનું અનુમાન
ગાંધીનગર, ગુરુવાર
Gujarat Budget 2025: ગુજરાતમાં આશરે ૩૬% વસ્તી યુવાનોની છે, અને રાજ્ય સરકારે તેમના ભવિષ્યને વધુ સુનિશ્ચિત બનાવવા શિક્ષણ અને રોજગારી માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. રાજ્યના યુવાશક્તિ માટે સરકાર શિક્ષણની સુલભતા, નવી ટેકનોલોજી, રમતગમત, સ્ટાર્ટઅપ્સ, અને રોજગારી ક્ષેત્રે વિવિધ પગલાં લઈ રહી છે.
સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા ૮૧ લાખથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની યોજના છે, જેના માટે રૂ. ૪૮૨૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ માટે ૧૦ જિલ્લાઓમાં ૨૦ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બાંધવામાં આવશે, જેનાથી ૧૩,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ લાભાન્વિત થશે.
“ખેલે તે ખીલે” અભિગમ સાથે, રાજ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલ સંકુલ અને ઓલિમ્પિક રેડીનેસ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો છે. અમદાવાદમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને કરાઈ ખાતે વિશ્વસ્તરીય રમતગમત સુવિધાઓ વિકસાવવામાં આવશે.
આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓને આધુનિક સાધનો અને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તાલીમ આપવા માટે રૂ. ૪૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી આગામી પાંચ વર્ષમાં પાંચ લાખથી વધુ યુવાનો તાલીમ મેળવી શકશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં ગુજરાતના યુવાનોને આગળ વધારવા, એલ.ડી. ઇજનેરિંગ કોલેજ અને અન્ય સરકારી ટેકનિકલ સંસ્થાઓમાં AI લેબ સ્થાપિત થશે.
સ્ટાર્ટઅપ્સ માટે રાજ્ય સરકારે નવી પ્રણાલિ અમલમાં મૂકી છે. અમદાવાદમાં i-Hub અને i-Create દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્યના ચાર વિવિધ ક્ષેત્રોમાં i-Hub ની સ્થાપના કરાશે, જેથી નવા સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ માળખું ઉભું થાય.
રોજગારીના અવસરો વધારવા માટે “ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ” (GCC) નીતિ અમલમાં મુકાઈ છે, જેના પરિણામે ૫૦,૦૦૦ થી વધુ નોકરીઓ સર્જાઈ શકે. MSME અને ટેક્સટાઇલ ઉદ્યોગોને આગળ વધારવા માટે રૂ. ૩૬૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ ગુજરાત ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત ટેક્સટાઇલ ઉદ્યોગો માટે રૂ. ૨૦૦૦ કરોડની સહાય જોગવાઈ કરવામાં આવી છે.
સ્વ-રોજગારીને પ્રોત્સાહન આપવા માટે “વાજપાઈ બેંકેબલ યોજના” અંતર્ગત લોન મર્યાદા વધારી રૂ. ૨૫ લાખ અને સબસિડી રૂ. ૩.૭૫ લાખ કરવામાં આવી છે. આ યોજના માટે ૧૦૦% વધારો સાથે રૂ. ૪૮૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતિ, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના યુવાનો માટે સ્વ-રોજગારી માટે રૂ. ૧૦ લાખ સુધીની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવશે, જેમાં મહિલા લાભાર્થીઓને ૭% અને પુરુષ લાભાર્થીઓને ૬% વ્યાજ સહાય મળશે.
પ્રવાસન ક્ષેત્રે વિકાસ થવાને કારણે રોજગારીના અનેક અવસરો ઊભા થશે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર માટે બજેટમાં ૩૧% ના વધારા સાથે રૂ. ૬૫૦૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ૧૫૦ થી વધુ પ્રવાસન સ્થળોને જોડતા માર્ગો અને ૨૦૦ નવી AC બસો શરૂ કરાશે. મા અંબા ના ધામ અંબાજી માટે રૂ. ૧૮૦ કરોડની વિશેષ જોગવાઈ કરાશે. ધર્મિક સ્થળોના સર્વાંગી વિકાસ માટે દ્વારકા, સોમનાથ, ગિરનાર, પાવાગઢ, પાલિતાણા જેવા સ્થળો માટે નવી યોજનાઓ અમલમાં મુકાશે.
આ ગુજરાત બજેટ ૨૦૨૫ રાજ્યના યુવાનો માટે શિક્ષણ, ટેક્નોલોજી, રમતગમત, સ્ટાર્ટઅપ્સ, અને રોજગારી ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ નિર્ણયોની સાથે તેમના ભવિષ્યને વધુ મજબૂત બનાવશે.