ગુજરાત સરકારના આજે રજૂ થયેલા બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. રાજ્યના વિકાસને વધુ વેગ આપવા માટે રોડ-રસ્તા માટે પણ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. ગુજરાતનું ૩,૭૦,૨૫૦ કરોડનું બજેટ નાણા પ્રધાન કનુ દેસાઈએ આજે રજૂ કર્યું હતું.
નાણા પ્રધાન કનુ દેસાઈએ બજેટ રજૂ કરતી વખતે કહ્યું, ગુજરાત ભૂકંપ, ચક્રવાત જેવી કુદરતી આપત્તિઓની શક્યતાઓ ધરાવતું રાજ્ય છે. આપત્તિ વ્યવસ્થાપનને ઝડપી બનાવવાના લક્ષ્ય સાથે સાયકલોન પ્રતિરોધક વીજ માળખું, રસ્તાઓ તથા અન્ય માળખાકીય સુવિધાઓ બનાવવાનું આયોજન છે. રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઈસ્પીડ કોરીડોર તેમજ એકસપ્રેસ વે વિકસાવવા માટે આ બજેટમાં કુલ ૧૦૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત 1367 કિમીના 12 હાઈસ્પીડ કોરિડોર બનાવાશે.
ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર પ્રોજેકટ હેઠળ ૧૩૬૭ કિ.મી.ના ૧૨ નવીન હાઇસ્પીડ કોરીડોર વિકસાવવામાં આવશે.વધુમાં રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વે વિકસાવવામાં આવશે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને નમોશક્તિ એક્સપ્રેસ-વે તરીકે વિકસાવવામાં આવશે. જ્યારે અમદાવાદથી રાજકોટ અને તેનું એક્ષટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતાં માર્ગને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે તરીકે વિકસાવવામાં આવશે. આ બંને એક્સપ્રેસ વે થી મુસાફરીમાં ઝડપ વધશે અને સમયનો પણ બચાવ થશે.