નાણા પ્રધાન કનુ દેસાઈએ આજે ગુજરાતનું વર્ષ 2025-26નું 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. ગુજરાતના બજેટમાં ખેડૂતો માટે વિશેષ જાહેરાત અને જોગવાઈ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ક્રિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણ મર્યાદા ૩ લાખથી વધારી પાંચ લાખ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગીર ગાયના સંવર્ધનની પણ જાહેરાત થઈ હતી.
કિસાન સૂર્યોદય યોજનામાં ૨૧૭૫ કરોડની ફાળવણી
બજેટ રજૂ કરતી વખતે નાણા પ્રધાન કનુ દેસાઈએ કહ્યું, જગતના તાત એવા અન્નદાતા માટે અમારી સરકાર હંમેશાં સંવેદનશીલ રહી છે. ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં ઝેરી જીવજંતુઓ તેમજ જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો. આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુકત કરવા અમે દિવસે વીજળી આપવા કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ રાજ્યના ૧૬,૬૮૩ એટલે કે ૯૭ ટકા ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. આ યોજનાને વધુ સુદ્રઢ કરવા માટે આ બજેટમાં ૨૧૭૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા વધારીને પાંચ લાખ કરવામાં આવી
સરદાર સરોવર બંધનું કામ પૂર્ણ થયા બાદ કેનાલ હેઠળના કામો પૂર્ણતાના આરે છે. સરદાર સરોવર યોજનાની ૧૮ લાખ હેક્ટર સિંચાઇ ક્ષમતા સામે ૧૭.૨૨ લાખ હેક્ટર સિંચાઇ વિસ્તાર વિકસિત થયેલ છે. બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો પ્રગતિ હેઠળ છે. કેન્દ્રિય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા ૩ લાખથી વધારી ૫ લાખ કરવામાં આવેલ છે. જેનો પૂર્ણ પણે અમલ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે, જે અંતર્ગત ૪ ટકા વ્યાજ રાહત આપવા માટે ૧,૨૫૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ લોન દર વર્ષે ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડુઓને મળતાં તેઓ પોતાની પ્રવૃત્તિ સમયસર કરી શકે છે.