Gujarat Cabinet meeting : ગુજરાતમાં આવતીકાલે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક, પાણીના પ્રશ્ન સહિત અનેક મુદ્દે ચર્ચા થશે
Gujarat Cabinet meeting : રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ લોકોના જીવનને અસર કરતી સમસ્યાઓ સામે રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં છે. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રિમંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. સવારે 9 વાગે શરૂ થનારી આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણયો લેવાય તેવી શક્યતા છે.
ઉકળતા ઉનાળે પાણીના મુદ્દે મળશે સમીક્ષા
રાજ્યના અનેક વિસ્તારો, ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પીવાનું પાણી એક ગંભીર મુદ્દો બન્યું છે. હવામાન વિભાગે આગાહી કરેલ હિટ વેવને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં પાણીની ઉપલબ્ધિ અને વિતરણ વ્યવસ્થા અંગે સમીક્ષા થશે. જળાશયોમાં ઉપલબ્ધ પાણી, તેની રિઝર્વ સ્થિતિ અને આગામી દિવસોમાં આવશ્યકતા કેવી રીતે પહોંચી શકે તેના વિકલ્પો પર મંત્રીઓ વચ્ચે ચર્ચા થવાની સંભાવના છે.
જંત્રીના મુદ્દે પણ નિર્ણય સંભવિત
બેઠકમાં વધુ એક મુખ્ય મુદ્દો રહેશે– રાજ્યની રિયલ એસ્ટેટને અસર કરતા જંત્રી દરોમાં ફેરફારનો. હાલ રાજ્ય સરકારે આ નિર્ણય થોડા સમય માટે મુલતવી રાખ્યો છે અને નાગરિકો પાસેથી મંતવ્યો માંગ્યા છે. હવે આ સંદર્ભે કેબિનેટમાં આવેલા અભિપ્રાયો અને સૂચનોના આધારે અંતિમ નિર્ણય લઈ શકાય છે.
યોજનાઓના અમલીકરણ અને નીતિઓની સમીક્ષા
આ બેઠકમાં બજેટમાં જાહેર કરાયેલી યોજનાઓના અમલીકરણ અંગે પણ વિસ્તૃત ચર્ચા થશે. આગામી સમયગાળામાં રાજ્ય સરકારની કામગીરી કેવી રીતે પ્રગતિ કરી શકે અને નીતિગત સ્તરે ક્યાં સુધારાઓ જરૂરી છે તે મુદ્દે પણ ચર્ચા થવાની શક્યતા છે.
રાજ્ય સરકાર માટે આ બેઠક મહત્વની હોવાથી દરેક વિભાગમાંથી આવેલા પ્રસ્તાવો પર ગંભીર વિચારણા અને નિર્ણયો લેવાશે તે નિશ્ચિત છે.