Gujarat cancels all leaves : પોલીસ, આરોગ્ય અને મહેસૂલ વિભાગની રજાઓ રદ , તાત્કાલિક ફરજ પર હાજર રહેવા આદેશ
Gujarat cancels all leaves : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના પગલે ગુજરાત સરકારે તાત્કાલિક પગલાં લેતા રાજ્યના અગત્યના ત્રણ વિભાગો — પોલીસ, આરોગ્ય અને મહેસૂલ —ના તમામ કર્મચારીઓની રજાઓ તુરંત રદ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના મુખ્ય મથક ગાંધીનગર સહિત તમામ જિલ્લાઓમાં આ આદેશ તાત્કાલિક અમલમાં મૂકાયો છે.
સરકારના આદેશ અનુસાર, કોઈ પણ કર્મચારી હવે રજા પર રહી શકશે નહીં અને જે રજા પર છે તે તમામને પોતાના કામ પર પાછા ફરવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને રથયાત્રા નજીક હોવાથી જૂન મહિનામાં પણ કોઈ પોલીસ કર્મચારીને રજા મંજૂર નહીં થાય તેવો સ્પષ્ટ આદેશ પોલીસ વડા વિકાસ સહાયે આપ્યો છે.
મહેસૂલ તંત્રને ચિંતાજનક ઘડીમાં એલર્ટ પર રાખવામાં આવ્યું
મહેસૂલ વિભાગ દ્વારા પણ તમામ તહસીલદારો, મામલતદાર અને તાત્કાલિક કામગીરી માટે જવાબદાર કર્મચારીઓને ફરજ પર હાજર રહેવા સુચના આપવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ વિઘટન ન થાય તે માટે પૂરી તૈયારી રાખવી જરૂરી ગણાઈ છે.
આદેશ પ્રમાણે આ તમામ કર્મચારીઓને આપમેળે કામગીરીમાં જોડાવા માટે તૈયાર રહેવાનું રહેશે અને વધુ સુચનાઓની રાહ જોવાની જરૂર નહીં રહે.
આરોગ્ય તંત્ર તાકીદ પર, દવા અને સાધનો સ્ટેન્ડબાય પર
રાજ્ય આરોગ્ય વિભાગે પણ સમગ્ર આરોગ્ય તંત્રને ચેતવણી પર મૂકી દીધું છે. તમામ સિવિલ હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, એમ્બ્યુલન્સ સેવા અને તબીબી સ્ટાફને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. જરૂરી દવાઓ, તબીબી સાધનો અને માનવશક્તિ તાત્કાલિક સેવા માટે તૈયાર રાખવાની ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
તંત્રનું લક્ષ્ય: સંભવિત પરિસ્થિતિ પહેલાં જ સંપૂર્ણ તૈયારી
તણાવની સ્થિતિમાં રાજ્યના સુરક્ષા દળો, ઇન્ટેલિજન્સ વિભાગો અને નાગરિક તંત્ર સંપૂર્ણ સક્રિય કરાઈ ગયા છે. સરકારનો સ્પષ્ટ ઉદ્દેશ છે કે કોઈ પણ પ્રકારની અણધારી પરિસ્થિતિ સર્જાય તે પહેલાં તમામ તંત્રો સંપૂર્ણ શક્તિ અને સમર્થન સાથે તૈયાર રહે.
આ નિર્ણયથી સ્પષ્ટ છે કે રાજ્ય સરકાર દેશભરમાં બનતી પરિસ્થિતિઓને ગંભીરતાથી લે છે અને ગુજરાતના નાગરિકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે.