નવી દિલ્હી તા. ૨૯ : ઓકટબર માસના મધ્યમાં ચૂંટણી કમિશન ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. આ બંને રાજયોની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષો એકબીજાની સામસામે આવશે.
એવું જણાઈ રહ્યું છે કે ચૂંટણી કમિશન હિમાચલ પ્રદેશમાં નવેમ્બરના મધ્યમાં અને ગુજરામાં ડિસેમ્બર માસમાં બે તબક્કામાં ચૂંટણી યોજવા વિચાર કરી રહ્યું છે. ઉપરાંત સાથોસાથ ખાલી પડેલી ચાર લોકસભા બેઠકો ઉત્ત્।રપ્રદેશમાં ગોરખપુર અને ફુલપુર તેમજ રાજસ્થાનમાં અજમેર અને અલવર બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજવા વિચારી રહ્યું છે.
આ ચૂંટણીમાં પહેલીવાર ઇલેકશન કમિશન કોઈપણ રાજયમાં સમગ્ર ચૂંટણી પૂર્ણરૂપે વોટર વેરિફાએબલ પેપર ઓડિટ ટ્રેઇલ(VVPAT) મશિન દ્વારા કરાવશે. આ મશિનની મદદથી મતદાતા પોતે જેને વોટ આપ્યો છે તેને વોટ મળ્યો છે કે નહીં તે રિસિપ્ટ દ્વારા નિશ્ચિત કરી શકશે.
જોકે કમિશન પહેલીવાર કોઈ એક સમગ્ર રાજયમાં VVPATનો ઉપોયગ કરવાનું હોય બીજા કેટલાક ઇનિશિએટિવને હાલ પૂરતા પડતા મૂકવામાં આવ્યા છે જેમ કે દરેક પોલિંગ સ્ટેશનમાં એક નિશ્ચિત ટકાવારીમાં પેપર ટ્રેઇલ રિસિપ્ટની ગણતરી કરવી.
જયારે કેન્દ્રીય કેબિનેટે ભારત બહાર રહેતા લોકોને પ્રોકસી વોટિંગની સુવિધા આપવાનો પ્લાન હાલ આ બે રાજયોની ચૂંટણીમાં પડતો મૂકયો છે. ઓગસ્ટ મહિનામાં જ રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ એકટમાં સુધારા કરતો કાયદો લાવવા માટે સરકાર દ્વારા સુધારા બિલનો મુસદ્દો તૈયાર કરાયો હતો જેને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે.
આ નવા સુધારાના કારણે ભારત બહાર રહેતા ભારતના નાગરીકોને ચૂંટણીમાં વોટ નાખવા માટે હજારો રૂપિયા ખર્ચીને ભારત આવવાની જરૂર નહીં રહે તેઓ પોતે જે દેશમાં છે ત્યાંથી જ નક્કી કરવામાં આવેલ પ્રોકસી પદ્ઘતીથી વોટિંગ કરી પોતાનો વોટ આપી શકશે. પરંતુ આ સુધારા બિલને હજુ સંસદની મંજૂરી બાકી છે.
ઇલેકશન કમિશન પૂરજોશમાં બંને રાજયોમાં ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં જ ઇલેકશન કમિશનની ટીમે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓ અંગે નિરિક્ષણ કર્યું હતું. જયારે ગુજરાતમાં ચૂંટણી વ્યવસ્થાની તૈયારી અંગે નિરિક્ષણ કરવા માટે ઓકટોબરના બીજા સપ્તાહમાં ઇલેકશન કમિશન રાજયમાં આવી શકે છે.
હિમાચલ પ્રદેશમાં ઇલેકશન કમિશનની ટીમ સામે સર્વસામાન્ય માગણી એવી મુકવામાં આવી હતી કે ચૂંટણી નવેમ્બરના મધ્યભાગ સુધીમાં કરી લેવી જોઈએ. કેમ કે ત્યાર બાદ વધુ મતદાતા ધરાવતા અને પ્રદેશ બરફાચ્છાદીત્ત્। થઈ જશે જેથી ચૂંટણીમાં મતદાનની ટકાવારી પર અસર વર્તાઈ શકે છે.
સૂત્રોએ જણાવ્યું કે રાજયમાં સૌથી વધુ મતદાતા ધરાવતી ત્રણ બેઠક લાહૌલ સ્પિતિ, કિન્નૌર અને ભારમોરમાં નવેમ્બરના મધ્યબાદ બરફ પડતો હોવાથી મતદાતા અને ચૂંટણી અધિકારીને મુશ્કેલી ન પડે માટે કમિશન નવેમ્બર મધ્યમાં જ હિમાચલપ્રદેશની ચૂંટણી પૂર્ણ કરી લેવા માગે છે. આ માટે ૧૦૦૦૦ જેટલા પેરા મિલિટરી જવાનો ફાળવવા ઇલેકશન કમિશને ગૃહવિભાગને પત્ર પણ લખી દીધો છે.
જયારે ગુજરાત માટે ઇલેકશન કમિશન પોતાના શેડ્યુલ પ્રમાણે ડિસેમ્બરમાં જ ચૂંટણી યોજશે. જોકે બંને રાજયોના પરીણામ સાથે જ આપશે. ઇલેકશન કમિશનના ઓફિસરના જણાવ્યા મુજબ ‘મતદાન અને ગણતરી વચ્ચે એક મહિનાનો ગાળો ઇલેકશન કમિશન અને મતદાતાઓ માટે કોઈ નવી બાબત નથી. આ પહેલા પણ દેશની વિવિધ ચૂંટણીમાં આવું થઈ ચૂકયું છે. આ જ વર્ષે પંજાબની વિધાનસબા ચૂંટણીનું પરીણામ એક મહિના બાદ UP, ઉત્ત્।રાખંડ અને ગોવા સાથે આપવામાં આવ્યું હતું.’
ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયા અંગે વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહેમદ પટેલની આગેવાનીમાં કોંગ્રેસનું ડિલિગેશન ઇલેકશન કમિશનને મળ્યું હતું. તેમણે ૧૦૦% VVPAT, નિશ્ચિત ટકાવારીમાં પેપર ટ્રેઇલ રિસિપ્ટની ગણતરી, પોલિંગ સ્ટેશનમાં સીસીટીવી અને અસામાજીક તત્વોથી મતદાન પ્રક્રિયાની સુરક્ષા તેમજ સરકારી અધિકારીઓને તેમના ગૃહ જિલ્લામાંથી અન્યત્ર ફરજ આપવાની માગણી કરી હતી.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.