Gujarat Farmers : ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં નવો રેકોર્ડ: ખેડૂતોને થયો સીધો ફાયદો
ગુજરાત સરકારે ૧૨.૨૩ લાખ મેટ્રિક ટન મગફળીની રેકોર્ડબ્રેક ખરીદી કરી, ૩.૬૭ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૮,૨૯૫ કરોડનો લાભ મળ્યો
ટેકાના ભાવે મગફળી વેચનારા ૯૮% ખેડૂતોને બેંક ખાતામાં સીઘી ચુકવણી, ૨.૯૨ લાખ ખેડૂતોના ખાતામાં રૂ. ૬,૬૦૦ કરોડ જમા
અમદાવાદ, શનિવાર
Gujarat Farmers : ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ મગફળી સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. ભારત અને ગુજરાત સરકારના પ્રો-એક્ટિવ પ્રયાસોના પરિણામે રાજ્યમાં મગફળીની નોંધપાત્ર ખરીદી નોંધાઈ છે. સાથે જ, ખરીદી થયેલા પાકના ચૂકવણાં માત્ર ૭ દિવસની અંદર કરવામાં આવ્યા છે, જે નવો માઇલસ્ટોન છે.
મગફળીની રેકોર્ડબ્રેક ખરીદી: ૩.૬૭ લાખ ખેડૂતોને સીધો લાભ
કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા મુજબ, ગુજરાત સરકારે ૧૨.૨૩ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ ખરીદી છે. રાજ્યભરના ૩.૬૭ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૮,૨૯૫ કરોડના મૂલ્યની મગફળી ખરીદવામાં આવી છે.
કિસાનો માટે રાહતના ભાગરૂપે, રાજ્ય સરકારે ખેડૂતોની દૈનિક મર્યાદા 125 મણમાંથી 200 મણ સુધી વધારી હતી, જેના કારણે છેલ્લા પાંચ વર્ષમાં થયેલી કુલ ૨૨.૮૪ લાખ મેટ્રિક ટન ખરીદીની તુલનામાં માત્ર એક જ વર્ષે ૧૨.૨૩ લાખ મેટ્રિક ટન ખરીદી થઈ છે.
ટેકાના ભાવે મગફળી વેચનારા ૯૮% ખેડૂતોને બેંક એકાઉન્ટમાં સીધી ચૂકવણી
મગફળીના ટેકાના ભાવમાં ખેડૂતોને મણદીઠ રૂ. ૨૫૦ વધુ મળતા તેઓએ જોરશોરથી આ યોજનાનો લાભ લીધો. નોંધણી કરાયેલા ૩.૭૪ લાખ ખેડૂતોમાંથી ૯૮% ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચી ચુક્યા છે. અત્યાર સુધી ૨.૯૨ લાખ ખેડૂતોના બેંક ખાતામાં રૂ. ૬,૬૦૦ કરોડ જમા કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ખેડૂતોને આગામી ૭ દિવસમાં ચૂકવણું મળી જશે.
ખરીદીની સુચારૂ વ્યવસ્થા અને સરકારનો સંવેદનશીલ અભિગમ
મગફળીની રેકોર્ડબ્રેક ખરીદી કોઈપણ વિલંબ વિના પૂર્ણ થાય તે માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલે સાતત્યપૂર્ણ સમીક્ષા બેઠકો યોજી હતી. વધુ ખરીદી કેન્દ્રો ખોલવા, બારદાનની ઉપલબ્ધતા, જરૂરી ગોડાઉન સુવિધા અને સમયસર ચુકવણાંની દેખરેખ રાખવા તંત્રને સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત, કેટલાક ખેડૂતો હજુ ટેકાના ભાવે વેચાણ કરી શક્યા ન હોવાથી, રાજ્ય સરકારે ખરીદીના સમયગાળામાં ૫ દિવસનો વધારો કરી સંવેદનશીલતા દર્શાવી હતી.
આ સુચારૂ વ્યવસ્થા અને પ્રો-એક્ટિવ પ્રયાસોના પરિણામે ગુજરાતમાં ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે સારો અવસર મળ્યો છે, જેનાથી તેઓને સીધો નાણાકીય ફાયદો થયો છે.