ગાંધીનગર- ગુજરાત સરકારના ઉર્જા વિભાગે દેશના 10 રાજ્યોને વીજળીનું વેચાણ કર્યું છે. ગુજરાતમાં સરપ્લસ વીજળી હોવાના દાવા વચ્ચે રાજ્ય સરકારે દેશના વિવિધ રાજ્યોમાં વીજ વેચાણના કરાર કર્યા છે અને તે પ્રમાણેની વીજળી વેચી છે. સૌથી વધુ 9.54 મિલિયન યુનિટ વીજળી ઉત્તરપ્રદેશે ગુજરાત પાસેથી ખરીદી છે.
વિધાનસભામાં ઉર્જા વિભાગે આપેલા આંકડા પ્રમાણે બિહાર રાજ્ય પણ ગુજરાત પાસેથી વીજળી ખરીદે છે. બિહારમાં 7.13 મિલિનય યુનિટની વીજળી આપવામાં આવી છે જ્યારે મમતા બેનરજીના પશ્ચિમબંગાળમાં પણ ગુજરાતે 8.55 મિલિયન યુનિટ વીજળી વેચી છે.
ગુજરાત સરકારે દાવો કર્યો છે કે રાજ્યમાં કૃષિ ક્ષેત્ર સહિતની તમામ વીજ માંગ પૂર્ણ કર્યા બાદ વધારાની વીજળી દેશમાં જરૂરિયાતવાળા રાજ્યોને વેચવામાં આવી છે. ગુજરાત વીજળીનું વિપુલ ઉત્પાદન કરનારૂં રાજ્ય છે. વીજળીનો સંગ્રહ શકય ન હોવાને કારણે તેનું ઉત્પાદન માંગને આધિન હોય છે.
ઉર્જા વિભાગે કહ્યું હતું કે વરસાદની મોસમ હોય, તહેવારો કે રજાના દિવસોમાં ઊદ્યોગો-કારખાનાઓ બંધ હોય કે તાપમાનની વધઘટ હોય અથવા વિન્ડ એનર્જી, સોલાર એનર્જીની વ્યાપક ઉપલબ્ધિ હોય તેવા સંજોગોમાં માંગ-પુરવઠામાં બદલાવ આવતો રહે છે. જ્યારે વીજ માંગ ઓછી હોય ત્યારે વીજ ઉત્પાદનની શ્રેષ્ઠત્તમ ઉપયોગિતા માટે અને પ્લાન્ટ બિનઉપયોગી ન રહે તેવા હેતુસર અન્ય રાજ્યોને વીજળી વેચવામાં આવે છે.
ઊર્જા વિભાગે જે રાજ્યોને ગુજરાતે 2019ના વર્ષમાં વીજળી વેચી છે તેની વિગતો આપતાં કહ્યું હતું કે આંધ્રપ્રદેશને 5.40 મિલીયન યુનિટ વીજળી પ્રતિ યુનિટ 4.44 રૂપિયાના દરે, છત્તીસગઢને 0.50 મિલીયન યુનિટ વીજળી પ્રતિ યુનિટ 4.40રૂપિયાના દરે, તામિલનાડુને 1.60 મિલીયન યુનિટ વીજળી 5.13 પ્રતિ યુનિટના દરે, ઉત્તરપ્રદેશને 9.54 મિલીયન યુનિટ વીજળી 4.07 પ્રતિ યુનિટના દરે તેમજ મહારાષ્ટ્રને 0.50 મિલીયન યુનિટ 4.00 રૂપિયાના પ્રતિ યુનિટ દરે વેચવામાં આવી છે.
એ ઉપરાંત પશ્ચિમ બંગાળને 8.55 મિલીયન યુનિટ વીજળી દર યુનિટે 3.79ના ભાવે, બિહારને 7.13 મિલીયન યુનિટ વીજળી 4.71 પ્રતિ યુનિટના ભાવે, ઝારખંડને 3.30 મિલીયન યુનિટ વીજળી પ્રતિ યુનિટ 3.91ના ભાવે, ઓરિસ્સાને 6.05 મિલીયન યુનિટ વીજળી યુનિટ દિઠ 4.51ના ભાવે અને મણીપુરને 0.04 મિલીયન યુનિટ વીજળી 5.00 રૂપિયે પ્રતિ યુનિટના ભાવે વેચવામાં આવી છે, જ્યારે ઇન્ડીયન એનર્જી એકસચેન્જને 138.21 મિલીયન યુનિટ વીજળી 4.11 રૂપિયે પ્રતિ યુનિટના ભાવે ગુજરાતે વેચી છે.