150મી ગાંધી જયંતિએ પૂજ્ય બાપુના પર્યાવરણવાદી વિચારોનું સંવર્ધન થાય અને રાજ્યની શાળાઓના બાળકો વિદ્યાર્થીઓ પર્યાવરણ વિષયે વધુ સજાગ જાગૃત થાય તેવા ઉદાત ભાવથી રાજ્યની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં પર્યાવરણ પ્રયોગ શાળા શરૂ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત મુખ્મંત્રી વિજય રૂપાણીએ કરી છે.
રૂપાણીએ પોરબંદરમાં 150મી ગાંધી જયંતિએ આયોજિત પ્રાર્થના સભા અને સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન કાર્યક્રમમાં આ જાહેરાત કરતા કહ્યું કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણના માધ્યમથી પર્યાવરણ શિક્ષણ ને વેગ આપવા અને બાળકોમાં પર્યાવરણ અંગે વિશેષ સમજ કેળવવા આ પ્રયોગ શાળાઓ એક નવતર પ્રકલ્પ બની રહેશે.
તેમણે કહ્યું કે રાજ્યની શાળાઓમાં જેમ કોમ્પ્યુટર લેબ ગણિત વિજ્ઞાનના વિષયોની લેબ છે તે જ રીતે આ પર્યાવરણ પ્રયોગ શાળા કાર્યરત કરાશે.
વિદ્યાર્થીઓ પર્યાવરણ વધુ સહજતાથી અને અસરકારક રીતે સમજે તેનું સંવર્ધન કરે તેમજ રોજિંદા જીવનમાં પર્યાવરણ પોષક બાબતોનું ધ્યાન રાખે ઓર્ગેનિક અને ઝીરો બજેટિંગ કુદરતી ખેતી પાણીની બચત અને બિન પરંપરાગત ઊર્જા સ્ત્રોતોના ઉપયોગથી ઊર્જા બચાવ જેવા પર્યાવરણ રક્ષાના સર્વગ્રાહી ઉપાયોને આ પર્યાવરણ પ્રયોગ શાળાના મુખ્ય હેતુઓ તરીકે રાખવાની નેમ છે.
આ વર્ષે રાજ્યમાં તાલુકા દીઠ પસંદ કરેલી 25થી 30 શાળાઓ એમ રાજ્યમાં કુલ 6 હજાર આવી પ્રયોગ શાળાઓ શરૂ કરાશે અને ક્રમશઃ તેનો વ્યાપ રાજ્યની બધીજ પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં વિસ્તારવામાં આવશે.