Gujarat government action: સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ સામે કડક કાયદાકીય પગલાં
Gujarat government action: ગુજરાત સરકાર હવે રાજ્યમાં વ્યાજખોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવી રહી છે. સુરતના ડુમસ વિસ્તારમાં નવા માર્ગના લોકાર્પણ પ્રસંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે વ્યાજખોરીથી કમાયેલા રૂપિયાની મિલકતો જપ્ત કરીને તેમની હરાજી કરવામાં આવશે, અને તે રકમ જનહિત માટે વપરાશે. આ પ્રકારની કાર્યવાહી દેશના ઇતિહાસમાં પ્રથમ વખત જોવા મળી રહી છે.
કચ્છમાં જપ્ત થયેલી 63.46 લાખની મિલકત
અંજાર શહેરમાં કડક કાર્યવાહી હેઠળ પોલીસ દ્વારા ત્રણ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GCTOC) કાયદાની કલમો હેઠળ તેમની મિલકતો જપ્ત કરવામાં આવી છે. કુલ ચાર મકાનો, બે પ્લોટ અને એક મહિન્દ્રા સ્કોર્પિયો સહિત કુલ રૂ. 63.46 લાખની મિલકત સરકારના હકમાં જપ્ત કરવામાં આવી છે.
આરોપીઓ અને તેમની મિલકત
અંજારના મંકલેશ્વર વિસ્તારમાં રહેતા રિયાબેન, આરતીબેન અને તેજસ ઇશ્વરગર ગૌસ્વામી પર આરોપ છે કે તેઓએ સંગઠિત રીતે વ્યાજખોરી કરી અને મોટો નફો મેળવ્યો. મેઘપર બોરીચી અને અંજાર વિસ્તારમાં આવેલા પ્લોટ અને વાહન સહિત તેમની મિલકતોને કાયદેસર રીતે જપ્ત કરવામાં આવી છે.
ગુનાહિત ઇતિહાસનું પણ પરીક્ષણ
આ ત્રણે આરોપીઓના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં અન્ય ગંભીર ગુનાઓ પણ આચર્યા હતા. ભારતીય દંડ સંહિતા, નાણાં ધીરધાર અધિનિયમ અને GCTOC હેઠળ કેસ દાખલ કરીને દરખાસ્ત રાજ્યના ગૃહ વિભાગને મોકલવામાં આવી હતી, જેના આધારે મિલકતો જપ્ત કરવામાં આવી છે.
ગન લાઈસન્સનો દુરુપયોગ કરનારા વિરુદ્ધ કાર્યવાહી
રાજ્યમાં હવે હથિયાર લાઈસન્સનો દુરુપયોગ રોકવા માટે પણ પગલાં લેવામાં આવી રહ્યાં છે. કોઈ પણ વ્યક્તિ કે જે લાઈસન્સનો ઉપયોગ ફક્ત સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવા કે પોતાની છબી ઊભી કરવા માટે કરે છે, તેમના લાઈસન્સ રદ કરવામાં આવશે. હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હથિયાર માત્ર શોખ માટે નહીં, પરંતુ યોગ્ય કારણોસર જ રાખવા જોઈએ.
તંત્ર દ્વારા ગન લાઈસન્સની તપાસ
સરકાર દ્વારા દરેક લાઈસન્સ ધરાવનારની વિગતો તપાસવામાં આવી રહી છે અને જે લોકોના પર લાઈસન્સનો દુરુપયોગ કરવાનો આરોપ છે, તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.
સુરતમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે નવો માર્ગ
ડુમસ બીચ જવા માટે શનિવાર અને રવિવારે ભયાનક ટ્રાફિકની સમસ્યા અનુભવતી હતી. હવે, સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ. 1279 લાખના ખર્ચે નવી રોડલાઈન તૈયાર કરવામાં આવી છે, જે ONGC હાઈવે જંક્શનથી ડુમસ સુધી સીધો માર્ગ આપે છે.
આધુનિક સુવિધાઓ સાથે નવી રોડલાઈન
આ માર્ગમાં રાત્રિના સમયે પ્રકાશ માટે સ્ટ્રીટ લાઈટ માટે રૂ. 157 લાખ અને વરસાદી પાણીની યોગ્ય નિકાસ માટે સ્ટ્રોમ વોટર લાઈન પર રૂ. 674 લાખ ખર્ચ કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રીના મતે આ એક માત્ર રસ્તો નહીં, પરંતુ શહેરના વિકાસ માટેનો એક મહત્વપૂર્ણ પગથિયું છે.